લોકસભા ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશના પીલીભીત લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ સરકારી યોજનાની સ્થિતિ અને ભ્રષ્ટાચાર-બેરોજગારીને લઇને સવાલ ઉઠાવ્યા છે.
વરૂણ ગાંધીએ કહ્યું કે, જે લોકો લોન જમા નથી કરી શકતા તેમની સંપત્તિ જપ્ત થશે, તેમની સંપત્તિની હરાજી થશે, તેમણે હવે હું પૂછવા માંગુ છું કે તેમનો ઉપાય શું છે? માત્ર સુત્રોચ્ચાર? વરૂણ ગાંધીએ આગળ કહ્યું કે જય શ્રી રામ, ભારત માતા કી જય તેનાથી કામ થઇ જશે?
ભાજપના સાંસદે કહ્યું કે ભારત માતાને હું પોતાની માતા માનું છું, હું હનુમાનજીનો ભક્ત છું, ભગવાન રામને પોતાનો ઇષ્ટ માનું છું. ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ કહ્યું કે પરંતુ હું તમને એક વાત પૂછવા માંગુ છું. આજે જે પાયાની સમસ્યાઓ છે, તેનાથી દરેક વ્યક્તિ પીડિત છે. શું તેનું સમાધાન નારાથી થશે કે નીતિગત સુધારાથી થશે?
ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ ઉજ્જવલા યોજનાને લઇને પોતાની સરકાર પર જ નિશાન સાધ્યુ છે. વરૂણ ગાંધીએ કહ્યું કે, આ યોજના હેઠળ સાત કરોડ લોકોને સિલિન્ડર આપવામાં આવ્યું. હવે આ સિલિન્ડર લોકો ફરી નહીં ભરાવી શકે. ભાજપના સાંસદે કહ્યું કે 1100 રૂપિયાનું સિલિન્ડરનું સામાન્ય માણસ શું કરે, તેમણે બેરોજગારીને લઇને પણ સરકાર પર પ્રહાર કર્યા હતા અને કહ્યું કે આજે 90 ટકા નોકરીઓ કોન્ટ્રાક્ટ પર આપવામાં આવી રહી છે જેનો અર્થ છે કે જ્યારે મન થયુ રાખી લીધા, જ્યારે કામ પૂર્ણ થયું તો કાઢી મુક્યા.
વરૂણ ગાંધીએ કહ્યું કે આ સમયે સરકારી વિભાગોમાં એક કરોડ જગ્યા ખાલી છે. આ મારો નહીં, સરકારનો આંકડો છે, તેમણે સવાલ ઉઠાવતા કહ્યું કે આ ખાલી જગ્યા તમે કેમ નથી ભરવા માંગતા? તમે પૈસા બનાવવા માંગો છો પરંતુ સરકારનું કામ બિઝનેસ કરવાનો નથી. વરૂણ ગાંધીએ સંસદમાં લાવવામાં આવેલા પ્રાઇવેટ મેમ્બર બિલનો ઉલ્લેખ કરતા કહ્યું કે પહેલા એક કરોડ ખાલી જગ્યાઓ તો ભરો.
વરૂણ ગાંધીએ કહ્યું કે, નવી નોકરીની તમે વાત કરો છો પરંતુ ખાલી જગ્યાને લઇને બધા મૌન છે. વરૂણ ગાંધીએ ભાજપને નિશાના પર લેતા કહ્યું કે હવે હું અસલિયત જણાવું છું, જે પૈસા બચશે, તે પછી ચૂંટણીમાં આટા, દાળ અને ચણા વેચવામાં કામ આવશે. શાયરી બોલતા વરૂણ ગાંધીએ કહ્યું, “તેરી મોહબ્બત મેં હો ગએ ફના, માંગી થી નોકરી મિલા આટા-દાલ-ચના”.