0%

Rajkot: ભારત સરકારના પ્રયાસોથી સૌરાષ્ટ્રમાં અદ્યતન કેન્સર સારવારને નવી દિશા મળી

તા.૨/૧૧/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જગતપ્રકાશ નડ્ડા દ્વારા એઈમ્સ, રાજકોટ ખાતે રૂ. ૩૯ કરોડના ખર્ચે નિર્મિત એડવાન્સ રેડિએશન ઓન્કોલોજી વિભાગનું ઈ-લોકાર્પણ કરાયું

-: મંત્રી શ્રી જગતપ્રકાશ નડ્ડા :-

રાજકોટ એઈમ્સના લીધે કેન્સરના દર્દીઓને અમદાવાદ, મુંબઈ કે પુણે જવું નહીં પડે, સ્થાનિક કક્ષાએ જ ઉચ્ચ સ્તરીય તબીબી સેવાઓનો લાભ મળી રહેશે

દેશમાં પ્રાઈમરી, સેકન્ડરી અને ટર્શરી હેલ્થકેર વચ્ચે સમન્વય જાળવીને ૧.૮૩ લાખ આયુષ્માન મંદિરો ફર્સ્ટ કોન્ટેક્ટ પોઈન્ટ તરીકે કાર્ય કરી રહ્યા છે

એઈમ્સ ખાતે હવે માત્ર રૂ. ૭૫૦ના નજીવા દરે રેડિયો થેરાપી સંબંધિત કેન્સર સારવાર ઉપલબ્ધ

Rajkot: કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી જગતપ્રકાશ નડ્ડાએ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઈમ્સ), રાજકોટ ખાતે ૩૯ કરોડના ખર્ચે નવનિર્મિત એડવાન્સ રેડિએશન ઓન્કોલોજી વિભાગનું વર્ચ્યુઅલી અનાવરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યકક્ષાના મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા પણ વર્ચ્યુઅલી જોડાયા હતા.

આ પ્રસંગે મંત્રી શ્રી જગતપ્રકાશ નડ્ડાએ જણાવ્યું હતું કે, રાજકોટ ખાતે એઈમ્સ હોસ્પિટલમાં અત્યાધુનિક રેડિયો થેરાપી સુવિધા કેન્સરના દર્દીઓના ઈલાજ માટે માઈલસ્ટોન સાબિત થવાની છે. કેન્સર જેવા ગંભીર રોગને નાથવા માટે રેડિએશન વિભાગનું નિર્માણ એ એક સકારાત્મક કદમ છે. રાજકોટ એઈમ્સમાં રેડિયો થેરાપી સારવાર કેન્સરના દર્દીઓ માટે પ્રિસિઝન (ચોકસાઈ), સેફ્ટી (સુરક્ષા) અને એફિશિયન્સી (કાર્યક્ષમતા) સાથે સુલભ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દુરદર્શી વિચારના કારણે એઈમ્સમાં ક્વોલિટી અને ટર્શરી હેલ્થકેર સર્વિસઝને નવો વેગ મળ્યો છે. કોઈપણ મોટી સંસ્થાને ઊભા થવામાં અંદાજે દસ વર્ષ જેટલો સમય લાગતો હોય છે, પરંતુ કોવિડ જેવી મહામારી વચ્ચે પણ રાજકોટ એઈમ્સ ખૂબ ઓછા સમયમાં રેડિયો થેરાપી સુવિધા જેવી તબીબી સુવિધા સાથે સજ્જ બની છે.

તેમણે ઉમેર્યું હતું કે, વર્તમાનમાં અહીં ૧૪ બ્રોડ સ્પેશિયાલિટીઝ અને ૦૬ સુપર સ્પેશિયાલિટીઝની સેવાઓ સફળતાપૂર્વક આપવામાં આવી રહી છે. નાગરિકોને ઉત્તમ સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવા એઈમ્સ કટિબદ્ધ છે. રાજકોટ એઈમ્સના લીધે કેન્સરના દર્દીઓને અમદાવાદ, મુંબઈ કે પુણે સુધી લાંબા થવું નહીં પડે અને સ્થાનિક કક્ષાએ જ ઉચ્ચ સ્તરીય તબીબી સેવાઓનો લાભ મળી રહેશે.દેશમાં પ્રાઈમરી હેલ્થકેર, સેકન્ડરી હેલ્થકેર અને ટર્શરી હેલ્થકેર ત્રણેય વચ્ચે સમન્વય જાળવીને ૧.૮૩ લાખ આયુષ્માન આરોગ્ય મંદિરો ફર્સ્ટ કોન્ટેક્ટ પોઈન્ટ તરીકે કાર્ય કરી રહ્યા છે. અહીં હાઈપરટેન્શન, ડાયાબિટીસ, ઓરલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને સર્વાઈકલ કેન્સરનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે. આજે રાજકોટ એઈમ્સમાં રેડિયોગ્રાફી, કિમોથેરાપી અને સર્જિકલ સેવાઓ એક જ છત નીચે ઉપલબ્ધ છે, જે પશ્ચિમ ભારતના ગુજરાત ક્ષેત્રની સ્વાસ્થ્ય સેવાઓ માટે વરદાનરૂપ સાબિત થશે, તેમ કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાએ કેન્દ્ર સરકારનો આભાર માનતા જણાવ્યું હતું કે, રાજકોટ એઇમ્સમાં મળેલી રેડિયો થેરાપીની સુવિધા કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રાંતના જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપયોગી અને આવશ્યક સાબિત થશે.

આ ઉપરાંત, કેન્દ્રીય આરોગ્ય વિભાગના સેક્રેટરી શ્રી પુન્યા શૈલા શ્રીવાસ્તવે વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આ તકે સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલા, ધારાસભ્યો શ્રી ભાનુબેન બાબરીયા અને શ્રી ડો. દર્શિતાબેન શાહ, જિલ્લા કલેક્ટર શ્રી ડો. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, એઈમ્સ પ્રેસિડન્ટ પદ્મશ્રી ડો. જે. એસ. તિતિયાલ, એક્ઝિક્યુટિવ ડાયેક્ટર શ્રી ડો. એલ. એન. દોરાઈરાજન, શ્રી ડો. જિતેન્દ્ર અમલાની, ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી અંકુર પ્રતાપ સહિત તબીબી સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

રેડિએશન ઓન્કોલોજી વિભાગની વિશેષતા

ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા દેશના નાગરિકોને આધુનિક, ગુણવત્તાયુક્ત અને સુલભ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાના ભાગરૂપે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (એઈમ્સ), રાજકોટ ખાતે અદ્યતન રેડિએશન ઓન્કોલોજી વિભાગનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનો મુખ્ય હેતુ દર્દીઓને તેમના જ પ્રદેશમાં આધુનિક સારવાર પૂરી પાડવાની સાથે સારવાર માટે મોટા શહેરોમાં જવાની જરૂરિયાત, મુસાફરીનો સમય અને આર્થિક બોજ ઘટાડવાનો છે. રેડિયો થેરાપીના અદ્યતન મશીનો રાષ્ટ્રની જનતાને સમર્પિત કરવાથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ અને તેની આસપાસના વિસ્તારોના દર્દીઓ માટે આધુનિક કેન્સર સારવારની સુવિધા ઉપલબ્ધ બની છે.

એઈમ્સ, રાજકોટના રેડિયેશન ઓન્કોલોજી વિભાગમાં અદ્યતન ટેક્નોલોજી સાથે High-Energy Linear Accelerator, Wide-Bore CT Simulator અને High-Dose-Rate (HDR) Brachytherapy Unit જેવી અદ્યતન તબીબી સુવિધાઓ ઉપલબ્ધ છે. અહીં રેડિયોથેરાપી પદ્ધતિઓ દ્વારા કેન્સરગ્રસ્ત ભાગોને ચોક્કસાઈપૂર્વક લક્ષિત કરી, આસપાસના સ્વસ્થ અંગોને સુરક્ષિત રાખીને સારવાર આપી શકાશે. ઉપરાંત, બ્રેકીથેરાપી જેવી પદ્ધતિઓ દ્વારા ગર્ભાશય સહિત સ્ત્રી સંબંધિત વિવિધ કેન્સરમાં અસરકારક સારવાર પૂરી પાડી શકાશે. આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ પાત્ર લાભાર્થીઓને નિયત કેન્સર સારવારનો લાભ મળી શકશે. ઉપરાંત, આયુષ્માન કાર્ડ ન ધરાવતા દર્દીઓ માટે પણ માત્ર રૂ. ૭૫૦ના ખર્ચે રેડિયોથેરાપી સંબંધિત કેન્સર સારવાર ઉપલબ્ધ છે.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

શહેર પસંદ કરો

જિલ્લા