થરાદ રેફરલ હોસ્પિટલમાં અતીત ગુલાબગીરી ની માનવતાભરી સેવા : દર્દીઓ અને સ્વજનોને ફ્રુટ વિતરણ….

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

આજના સ્વાર્થભર્યા સમયમાં માનવતા અને સેવાભાવને જીવંત રાખતા અતીત ગુલાબગીરી એ થરાદ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓ તેમજ તેમના સ્વજનોને ફ્રુટ વિતરણ કરી સમાજ સમક્ષ પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું. “માનવસેવા એ જ પ્રભુસેવા”ના પવિત્ર સંદેશ સાથે યોજાયેલા આ સેવાકીય કાર્યથી હોસ્પિટલ પરિસરમાં લાગણીસભર અને સકારાત્મક માહોલ સર્જાયો હતો. થરાદ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે રેફરલ હોસ્પિટલમાં આવતા હોય છે. ઘણી વખત દર્દીઓ સાથે આવેલા પરિવારજનોને ભોજન તથા અન્ય જરૂરી સુવિધાઓ માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. આવી પરિસ્થિતિને સમજી અતીત ગુલાબગીરી બાપજીએ દર્દીઓ અને તેમના સ્વજનો સુધી પ્રેમ, કરુણા અને સહાનુભૂતિ સાથે ફ્રુટ પહોંચાડ્યા હતા. ફ્રુટ વિતરણ દરમિયાન દર્દીઓ અને તેમના પરિવારજનોના ચહેરા પર ખુશીની ઝળહળાટ સ્પષ્ટ જોવા મળી હતી. અનેક લોકોએ જણાવ્યું હતું કે આવી સેવા માત્ર ફળ વિતરણ પૂરતી સીમિત નથી રહેતી, પરંતુ મુશ્કેલીના સમયમાં માનસિક હિંમત અને આત્મિયતાનો અહેસાસ પણ કરાવે છે. આ પ્રસંગે અતીત ગુલાબગીરી એ જણાવ્યું હતું કે સમાજમાં દરેક વ્યક્તિએ પોતાની શક્તિ મુજબ જરૂરિયાતમંદ લોકોની મદદ માટે આગળ આવવું જોઈએ. સેવા અને સહકારની ભાવના જ સમાજને વધુ સંવેદનશીલ અને મજબૂત બનાવે છે. માનવતાની સેવા દ્વારા જ સાચા અર્થમાં સમાજ પ્રત્યેની ફરજ નિભાવી શકાય છે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનો, સેવાભાવી લોકો તેમજ હોસ્પિટલ સ્ટાફે પણ આ સેવાકીય પ્રયાસને બિરદાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ માનવતા, સેવા અને સહાનુભૂતિની સુગંધથી ઓતપ્રોત બની સમાજ માટે પ્રેરણાસ્ત્રોત સાબિત થયો હતા
અતીત ગુલાબગીરી વિસ્તારના લોકોમાં ભામાશા તરીકે પણ જાણીતા છે. સમાજસેવા અને જરૂરિયાતમંદ લોકોની મદદ માટે તેઓ હંમેશા આગળ રહેતા હોય છે. કોઈપણ વ્યક્તિ તેમના ઘરે જાય તો તે ક્યારેય ભૂખ્યું કે નિરાશ થઈને પરત ફરતું નથી.
અતીત ગુલાબગીરીના બગીચામાં પ્રથમ આવતું ફળ પણ તેઓ પોતાના માટે નહીં, પરંતુ સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ તેમજ જરૂરિયાતમંદ લોકોને અર્પણ કરે છે. માનવતા, સેવા અને પરોપકારની ભાવનાથી પ્રેરાઈ તેઓ સતત સમાજ માટે સેવાકીય કાર્યો કરતા રહે છે, જેને કારણે લોકોમાં તેમના પ્રત્યે વિશેષ માન-સન્માન અને લાગણી જોવા મળે છે.



