ભોરોલ PHC ખાતે બાળરોગ–સ્ત્રીરોગ મેડિકલ કેમ્પ સફળતાપૂર્વક યોજાયો

વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ વાવ થરાદ
થરાદના ધારાસભ્ય અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબના જન્મ દિવસ નિમિતે, બનાસ ડેરી તથા બનાસ મેડિકલ કોલેજ–બનાસ જનરલ હોસ્પિટલ, પાલનપુરના સંયુક્ત ઉપક્રમે તા. 05 ડિસેમ્બર 2025ના રોજ PHC ભોરોલ ખાતે વિશેષ બાળરોગ અને સ્ત્રીરોગ નિદાન મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
ગામના આરોગ્યને કેન્દ્રસ્થાને રાખીને આયોજિત આ કેમ્પમાં નિષ્ણાત ડૉક્ટરોની ટીમે સમગ્ર દિવસ દરમિયાન વિવિધ પ્રકારનાં સેવાઓ પૂરી પાડી. કેમ્પમાં ડૉ. કાઠિત (બાળરોગ નિષ્ણાત), ડૉ. વિકરમ (બાળરોગ નિષ્ણાત), ડૉ. વિશ્વા (ગાયનિકોલોજીસ્ટ) તથા ડૉ. અનિલ (મેડિકલ ઓફિસર, PHC ભોરોલ)એ પોતાની સેવાઓ આપી.
કેમ્પ દરમિયાન સ્કૂલ બાળકોનું સંપૂર્ણ હેલ્થ ચેકઅપ, ગર્ભવતી સ્ત્રીઓનું ANC, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ તપાસ, મેમોગ્રાફી દ્વારા સ્તન કૅન્સર તપાસ, પેપ સ્મિયર ટેસ્ટ, તેમજ લોહીની જરૂરી તપાસો કરવામાં આવી. સાથે જ જરૂરી દર્દીઓને મફત દવાઓનું વિતરણ કરવામાં આવ્યું.
આ કેમ્પમાં 100થી વધુ OPD દર્દીઓએ આરોગ્ય લાભ મેળવ્યો હતો. ગ્રામજનોમાં આ આરોગ્ય કેમ્પ પ્રત્યે વિશેષ ઉત્સાહ જોવા મળ્યો અને મોટી સંખ્યામાં નાગરિકોએ તેનો લાભ લીધો.
આ ઉપક્રમને સફળ બનાવવા માટે ડૉક્ટરો, પેરા-મેડિકલ સ્ટાફ, ASHA/ANM બહેનો તથા ગામજનોનો સહકાર નોંધપાત્ર રહ્યો. ગામના આરોગ્યને મજબૂત બનાવવા માટે આવા મેડિકલ કેમ્પો અત્યંત મહત્વપૂર્ણ સાબિત થાય છે.
શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના જન્મદિવસ નિમિતે આરોગ્ય સેવા રૂપે આપેલું આ આયોજન ગામજનો માટે એક ઉત્તમ પહેલ તરીકે નોંધાયું છે.




