થરા-કિયાલ રોડ રિનોવેશન વિવાદ: આર.સી.સી રોડ ઊંચો થતાં રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાવાની ભીતિ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ 
થરા તથા કિયાલા ગામને જોડતા માર્ગ પર ચાલી રહેલા RCC રોડના કામને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ રોડની ઊંચાઈ અગાઉ કરતાં વધુ રાખવામાં આવતા વરસાદી પાણીના નિકાલની સમસ્યા ઊભી થઈ છે.
સ્થાનિકોના આક્ષેપ છે કે પાંચ દિવસ અગાઉ પડેલા સામાન્ય વરસાદમાં જ રોડની આસપાસ આવેલા અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયું હતું. હવે RCC રોડ વધુ ઊંચો બનતાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી સીધું રહેણાંક વિસ્તારોમાં ઘૂસવાની શક્યતા વધી ગઈ છે.
ગ્રામજનોનું કહેવું છે કે રોડનું નિર્માણ કરતા પહેલાં ડ્રેનેજ અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. જેના કારણે વિકાસના કામો લોકો માટે મુશ્કેલીનું કારણ બની રહ્યા છે.
રહિશોએ તંત્ર સમક્ષ માંગણી કરી છે કે RCC રોડની ઊંચાઈ અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાની તાત્કાલિક તપાસ કરવામાં આવે, જેથી ચોમાસા દરમિયાન લોકોને નુકસાન અને હાલાકીનો સામનો ન કરવો પડે.



