ચીખલી:વાંગણ-મોટી વાંગરવાડીમાં ટ્રાન્સફોર્મરમાંથી લાખોની કિંમતના વીજ ઉપકરણોની ચોરી:તાત્કાલિક તપાસની માગ

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

CCTV ફૂટેજના આધારે તાત્કાલિક તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના વાંગણ-મોટી વાંગરવાડી ગામમાં જ્યોતિગ્રામ યોજના હેઠળ 24 કલાક વીજ પુરવઠો પૂરો પાડતા ટ્રાન્સફોર્મરમાંથી મોટર ફ્યુઝન સહિતના વીજ ઉપકરણોની ચોરી થયાની ઘટના સામે આવી છે. આ મામલે સ્થાનિક રહીશ દ્વારા પોલીસ સમક્ષ લેખિત રજૂઆત કરી CCTV ફૂટેજ તથા ટેકનિકલ તપાસના આધારે ચોરીનો ભેદ ઉકેલવા અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. રજૂઆત મુજબ તા. 16 સપ્ટેમ્બર, 2026ની રાત્રિના સમયે બે શંકાસ્પદ વ્યક્તિઓ મોટરસાયકલ પર આવી ટ્રાન્સફોર્મર નજીક ચોરીની પ્રવૃત્તિ કરતા CCTV ફૂટેજમાં દેખાયા હોવાનું જણાવાયું છે. CCTV ફૂટેજના આધારે શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ કરી શકાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ ટ્રાન્સફોર્મરમાંથી વીજ વ્યવસ્થાને લગતા મહત્વના ઉપકરણો ગાયબ થતાં ગામમાં વીજ પુરવઠાની સલામતી અંગે પણ ચિંતા ઊભી થઈ છે. સમગ્ર ઘટનામાં માત્ર વીજ ઉપકરણોની ચોરી પૂરતી બાબત ન ગણતા અન્ય ચોરી કે ગંભીર ગુનાહિત પ્રવૃત્તિ સાથે કોઈ સંબંધ છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવાની માંગ કરાઈ છે. CCTVથી લઈને ટેકનિકલ તપાસ સુધીની માંગ

રજૂઆતમાં પોલીસ સમક્ષ કુલ 10 મુદ્દાઓ પર તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. જેમાં તા. 16-09-2026ની રાત્રિના CCTV ફૂટેજને સુરક્ષિત રાખી તેની તાત્કાલિક ટેકનિકલ તપાસ કરવી, CCTVમાં દેખાતા મોટરસાયકલ અને બે શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ માટે વાહન નંબર તથા આવવા-જવાના માર્ગની તપાસ કરવી અને ઘટનાસ્થળેથી મળેલા ફિંગરપ્રિન્ટ, ફૂટપ્રિન્ટ તથા અન્ય ભૌતિક પુરાવાઓ એકત્રિત કરવાની માંગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ચોરી થયેલા ફ્યુઝન/વીજ ઉપકરણોની કિંમત, ઉપયોગ તથા તેને વેચવા માટે અપનાવવામાં આવતી પદ્ધતિ અંગે DGVCL/સંબંધિત વીજ વિભાગના ટેકનિકલ અધિકારી મારફતે તપાસ કરવા રજૂઆત કરવામાં આવી છે.

ગામ વિસ્તારમાં અગાઉ થયેલી વીજ સાધનોની ચોરીઓ સાથે આ ઘટનાનો કોઈ સંબંધ છે કે કેમ, CCTVમાં દેખાતા શંકાસ્પદ વ્યક્તિઓ ઘટના બાદ કયા માર્ગે ગયા તેની રૂટ-ટ્રેસિંગ તપાસ કરવી તથા આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારોમાં ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે રાત્રિ પેટ્રોલિંગ વધારવાની પણ માંગ કરવામાં આવી છે.ફરિયાદકર્તાએ જણાવ્યું છે કે CCTV ફૂટેજ, ટેકનિકલ પુરાવા અને વૈજ્ઞાનિક તપાસના આધારે હકીકત બહાર લાવી આરોપીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે તો આવી ચોરીની ઘટનાઓને અટકાવવામાં મદદ મળી શકે છે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો