વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ
આયુર્વેદ-હોમિયોપેથીથી વિનામૂલ્યે નિદાન, સારવાર અને માર્ગદર્શન; પંચકર્મ-અગ્નિકર્મ સહિત વિવિધ રોગોની સારવારની સુવિધા
નવસારી: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય તથા નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવસારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદ અધિકારી, આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત નવસારી દ્વારા તા. ૭ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ ગણદેવી તાલુકાના ઉંડાચ લુહાર ફળિયા સ્થિત જલારામ હોલ ખાતે આયુષ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ મેગા કેમ્પનો સમય સવારે ૧૦થી બપોરે ૨ વાગ્યા સુધી રહેશે. કેમ્પમાં આયુર્વેદ અને હોમિયોપેથી પદ્ધતિ દ્વારા વિવિધ રોગોનું વિનામૂલ્યે નિદાન, સારવાર તેમજ જરૂરી આરોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે.
સાંધાના દુખાવાથી ડાયાબિટીસ સુધીની સારવાર
કેમ્પમાં સંધિવા તથા સાંધાના રોગો માટે પંચકર્મ અને અગ્નિકર્મ દ્વારા પેઇન મેનેજમેન્ટ, તેમજ ડાયાબિટીસ, હૃદયરોગ, બ્લડ પ્રેશર, પાચનતંત્ર અને શ્વસનતંત્રના રોગો માટે નિદાન-સારવારની સુવિધા રહેશે. ઉપરાંત ચામડીના રોગો, સ્ત્રીરોગો તથા વૃદ્ધાવસ્થાને લગતા રોગો અંગે પણ નિષ્ણાત માર્ગદર્શન અને સારવાર આપવામાં આવશે.
પ્રકૃતિ પરીક્ષણ અને યોગ-પ્રાણાયામનું પણ માર્ગદર્શન
કેમ્પમાં પ્રકૃતિ પરીક્ષણ, પથ્ય-અપથ્ય અંગે માર્ગદર્શન, યોગ-પ્રાણાયામ અંગે સલાહ, આયુર્વેદિક ઔષધિય હર્બલ ટીનું વિતરણ તેમજ ઔષધિય વનસ્પતિઓનું પ્રદર્શન પણ યોજાશે.
જિલ્લા આયુર્વેદ અધિકારીએ ગણદેવી તાલુકા તથા આસપાસના વિસ્તારના નાગરિકોને આ વિનામૂલ્યે આયુષ મેગા કેમ્પનો બહોળા પ્રમાણમાં લાભ લેવા અપીલ કરી છે.









