નવસારી શહેરમાં ગરબા પાસના નામે રૂ.500થી રૂ.800 અને સીઝન પાસના રૂ.5 હજાર વસૂલાતની કલેક્ટરને ફરિયાદ

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

નવરાત્રીના આયોજકોના પાસથી માંડીને કરોડોની સંભવિત આવક સુધી તપાસની માંગ : ખેલૈયાઓ પાસેથી કેટલી વસૂલાત? હિસાબ ક્યાં? કલેક્ટર સમક્ષ સવાલોનો મારો

નવસારી: નવરાત્રીના ગરબા કાર્યક્રમોના આયોજન વચ્ચે પાસના ભાવ અને આયોજકોની આવક-જાવકને લઈને નવસારીમાં ગંભીર સવાલો ઉઠ્યા છે. ખેલૈયાઓ પાસેથી ડે પાસના નામે રૂ.500થી રૂ.800 અને સીઝન પાસના નામે રૂ.4,000થી રૂ.5,000 સુધીની રકમ વસૂલાતી હોવાના આક્ષેપ સાથે સમગ્ર મામલાની સઘન તપાસ કરવા જિલ્લા કલેક્ટર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે.

ગોકુલનગર, વાઘવાડી, કબીલપોર, નવસારીના અર્જુનભાઈ ઉકાભાઈ ભરવાડે તા.3 ઓક્ટોબર, 2026ના રોજ કરેલી રજૂઆતમાં સીધો સવાલ ઉઠાવ્યો છે કે કેટલા પાસ છપાયા? કેટલા વેચાયા? કેટલા Complimentary પાસ અપાયા? કુલ કેટલી રકમ વસૂલાઈ? અને આ સમગ્ર આવકનો સત્તાવાર હિસાબ ક્યાં છે?

પાસના ભાવ સામે પારદર્શિતાનો મોટો સવાલ

રજૂઆત મુજબ કેટલાક આયોજકો દ્વારા ડે પાસ અને સીઝન પાસ માટે ઊંચી રકમ વસૂલાતી હોવાની ફરિયાદ છે. આવી રકમ કયા આધાર પર નક્કી કરવામાં આવી છે અને તેના માટે કોઈ સરકારી મંજૂરી, નિયમ કે શરત લાગુ પડે છે કે નહીં તેની તપાસ કરવાની માંગ કરાઈ છે.

સાથે જ આયોજકોએ કેટલા પાસ છપાવ્યા અને કેટલા વેચ્યા તેની પાસ-વાઇઝ વિગતો, દરેક કેટેગરીના પાસની સંખ્યા તથા તેમાંથી થયેલી કુલ આવકની વિગતો મેળવવા જણાવાયું છે.

રોકડથી UPI સુધીની લેવડદેવડની પણ તપાસની માંગ

ફરિયાદમાં માત્ર પાસના ભાવ પૂરતા સવાલો નથી ઉઠાવવામાં આવ્યા. પાસના વેચાણમાંથી મળેલી રકમમાંથી કેટલી રોકડમાં અને કેટલી UPI, QR કોડ, ઓનલાઈન બુકિંગ, પેમેન્ટ ગેટવે કે બેંક ટ્રાન્સફર મારફતે મળી તેની દસ્તાવેજી ચકાસણી કરવાની પણ માંગ કરાઈ છે.

ખેલૈયાઓને વસૂલેલી રકમની યોગ્ય રસીદ કે બિલ આપવામાં આવે છે કે નહીં અને આ તમામ આવક સત્તાવાર હિસાબમાં દર્શાવવામાં આવે છે કે નહીં તેની પણ તપાસ કરવા રજૂઆત કરવામાં આવી છે.

પાસની આવક ઉપરાંત સ્પોન્સરશિપ, સ્ટોલ અને પાર્કિંગનો હિસાબ પણ માગ્યો

રજૂઆતમાં ગરબા આયોજનો સાથે સંકળાયેલી અન્ય આવકના સ્ત્રોતો પણ તપાસ હેઠળ લેવા માંગ કરાઈ છે. જેમાં સ્પોન્સરશિપ, જાહેરાત, ફૂડ કાઉન્ટર, સ્ટોલ, પાર્કિંગ તથા અન્ય સુવિધાઓ માટે વસૂલાત થતી રકમનો સમાવેશ થાય છે.

સાથે જ લાગુ પડતા GST સહિતના કરવેરા તથા અન્ય સરકારી લેણાંની યોગ્ય રીતે ચુકવણી કરવામાં આવી છે કે નહીં તેની પણ ચકાસણી કરવાની માંગ કરવામાં આવી છે.

મંજૂરીથી લઈને ફાયર સેફ્ટી સુધી તપાસની માંગ

ગરબા કાર્યક્રમો માટે પોલીસ, ફાયર સેફ્ટી, ટ્રાફિક, વીજળી અને સ્થળ સંબંધિત જરૂરી મંજૂરીઓ લેવામાં આવી છે કે નહીં અને મંજૂરી સાથે જોડાયેલી શરતોનું પાલન થાય છે કે નહીં તેની સ્થળ તપાસ કરવા પણ રજૂઆત કરાઈ છે.

આ ઉપરાંત કાર્યક્રમ સ્થળની મંજૂર ક્ષમતા કેટલી અને વાસ્તવમાં કેટલા ખેલૈયાઓને પ્રવેશ આપવામાં આવ્યો તેની પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.

પાણીની બોટલની સુવિધાનો પણ મુદ્દો ઉઠાવ્યો

રજૂઆતમાં અગાઉ ખેલૈયાઓ માટે પાણીની બોટલ અથવા પીવાના પાણીની સુવિધા અંગે આપવામાં આવેલી સૂચનાઓનો ઉલ્લેખ કરીને વર્તમાન નવરાત્રી કાર્યક્રમોમાં તેનો અમલ થાય છે કે નહીં તેની પણ ચકાસણી કરવા જણાવાયું છે.

“તપાસમાં ગેરરીતિ સાબિત થાય તો કાયદેસરની કાર્યવાહી કરો”

ફરિયાદકર્તાએ જિલ્લા તંત્ર સમક્ષ માંગ કરી છે કે સમગ્ર મામલે પૂર્વગ્રહ વિના પાસનું વેચાણ, કુલ આવક, ખર્ચ, કરવેરા, મંજૂરીઓ અને સરકારી નિયમોના પાલનની સઘન તપાસ કરવામાં આવે. તપાસ દરમિયાન કોઈ ગેરરીતિ અથવા કાયદા-નિયમનો ભંગ સાબિત થાય તો જવાબદાર વ્યક્તિઓ સામે લાગુ પડતી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

રજૂઆતની નકલો જિલ્લા પંચાયત, નવસારી મહાનગરપાલિકા, પોલીસ વિભાગ અને સંબંધિત કરવેરા અધિકારીઓને પણ જરૂરી કાર્યવાહી માટે મોકલવામાં આવી હોવાનું જણાવાયું છે.

હવે મુખ્ય સવાલ એ છે કે ગરબા પાસના નામે થતી વસૂલાતનો સાચો આંકડો કેટલો છે અને આ આવકનો સત્તાવાર હિસાબ ખરેખર પારદર્શક રીતે જાળવવામાં આવે છે કે નહીં? સમગ્ર મામલે તંત્રની તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો