MORBI:મોરબીની નવજીવન ગર્લ્સ હોસ્ટેલમાં બેડ પરથી પડી જતાં ૯ વર્ષીય બાળકીનું કરુણ મોત: પરિવારમાં શોકનું મોજું

મોરબીના રવાપર-ઘુનડા રોડ પર આવેલી નવજીવન સ્કૂલની ગર્લ્સ હોસ્ટેલમાં એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. હોસ્ટેલમાં બેડ પરથી નીચે પટકાયેલી ૯ વર્ષીય માસૂમ બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજતાં અરેરાટી વ્યાપી ગઈ છે.

મળતી માહિતી મુજબ, મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ખીટલા ગામની વતની ૯ વર્ષીય રાજલબેન રાજાભાઈ ઝાંપડિયા મોરબીમાં રવાપર-ઘુનડા રોડ સ્થિત નવજીવન સ્કૂલની ગર્લ્સ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી. દરમિયાન હોસ્ટેલના રૂમમાં બેડ પર બેઠેલી રાજલ અકસ્માતે નીચે પડી ગઈ હતી.
બનાવને પગલે હોસ્ટેલ સંચાલકો દ્વારા બાળકીને તાત્કાલિક સારવાર અર્થે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ બાળકીની હાલત ગંભીર જણાતાં તેને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવી હતી. જોકે, રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબોએ બાળકીને તપાસીને મૃત જાહેર કરી હતી.
આ અરેરાટીભર્યા બનાવ અંગે મોરબી સીટી ‘એ’ ડિવિઝન પોલીસે અકસ્માતે મોત (અ.મોત)નો ગુનો નોંધી, બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી આગળની ઊંડાણપૂર્વકની કાયદેસરની તપાસ હાથ ધરી છે. માસૂમ બાળકીના અકાળે અવસાનથી પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.













