WAKANER:વાંકાનેર નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત યોજાયેલ જિલ્લા કક્ષાની સ્પર્ધાઓમાં એલ.કે. સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓનો ડંકો


વાંકાનેર:ભારત સરકારના ‘નશામુક્ત ભારત અભિયાન’ અંતર્ગત ‘મેરા યુવા ભારત’ (મોરબી) દ્વારા વાંકાનેર સ્થિત દોશી કોલેજ ખાતે જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. યુવાનો અને વિદ્યાર્થીઓમાં નશાના દુષ્પરિણામો અંગે જાગૃતિ ફેલાવવા તેમજ નશામુક્ત અને સ્વસ્થ સમાજના નિર્માણના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ સ્પર્ધાઓમાં શ્રીમતી એલ.કે. સંઘવી કન્યા વિદ્યાલયની દીકરીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન દાખવી શાળાનું નામ રોશન કર્યું છે.

આ સ્પર્ધામાં શાળાની ધોરણ-૧૧ ની ટીમે નુક્કડ નાટક સ્પર્ધામાં પોતાની અદભુત પ્રસ્તુતિ દ્વારા સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. આ ઉપરાંત વાદ-વિવાદ (ડિબેટ) સ્પર્ધામાં ત્રિવેદી કાવ્યા અને ગોહેલ નેન્સીની જોડીએ દ્વિતીય ક્રમ તેમજ સ્લોગન સ્પર્ધામાં યશસ્વીબા ઝાલાએ ઉત્તમ વિચારો રજૂ કરીને તૃતીય ક્રમ મેળવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત સ્લોગન, ચિત્ર, કાવ્યલેખન અને ગરબા જેવી વિવિધ પ્રવૃત્તિઓનું પણ સુંદર આયોજન થયું હતું.

સમાજ ઉપયોગી વિષય પર જાગૃતિ ફેલાવી ઝળહળતી સફળતા મેળવવા બદલ સંસ્થાના ટ્રસ્ટ પ્રમુખ શ્રી અમરશીભાઈ મઢવી સહિત તમામ ટ્રસ્ટીગણે વિજેતા વિદ્યાર્થિનીઓ, શાળાના આચાર્યા દર્શનાબેન તેમજ માર્ગદર્શક શિક્ષિકા સેજલબા ચુડાસમાને અભિનંદન પાઠવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.













