વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ વાંસદા તાલુકાના ઉનાઈ અને નવતાડ ગામની મુલાકાત લઈ આરોગ્ય, શિક્ષણ, બાળપોષણ અને પાયાની સુવિધાઓની સ્થિતિની સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિક પ્રશ્નો અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતો મેળવી જરૂરી સૂચનાઓ આપી હતી. ઉનાઈ ગામે ગ્રામ પંચાયતની મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ ગામની વસ્તી, આંગણવાડીઓ, જર્જરિત શાળાઓ, પાણીની સમસ્યા તેમજ દીપડાના આંટાફેરા સહિતના પ્રશ્નોની માહિતી મેળવી હતી. ત્યારબાદ આંગણવાડીની મુલાકાત લઈ બાળકોને આપવામાં આવતા પોષણક્ષમ આહાર, કુપોષિત બાળકોની સ્થિતિ, પોષણ કિટના વિતરણ અને વાલીઓના કાઉન્સેલિંગ અંગે સમીક્ષા કરી હતી. ઉનાઈ આરોગ્ય કેન્દ્રની મુલાકાત દરમિયાન દર્દીઓની સંખ્યા, હાઈ-રિસ્ક સગર્ભાવસ્થાના કેસો, સગર્ભા મહિલાઓને અપાતું માર્ગદર્શન, લેબોરેટરીનાં સાધનો અને IPDની સુવિધાઓની વિગતો મેળવી આરોગ્ય સેવાઓ વધુ સુદૃઢ બનાવવા સૂચનાઓ આપી હતી. સાથે જ આરોગ્યલક્ષી માહિતી દર્શાવતાં બોર્ડ નિયમિતપણે અદ્યતન રાખવા જણાવ્યું હતું કલેક્ટરશ્રીએ મહાત્મા ગાંધી પુસ્તકાલયની મુલાકાત દરમિયાન અભ્યાસ કરતા બાળકો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો સાથે સંવાદ કર્યો હતો. વિદ્યાર્થીઓની જરૂરિયાતો અને પુસ્તકાલયની સુવિધાઓ અંગે ચર્ચા બાદ અભ્યાસ માટે વધુ સારી વ્યવસ્થા ઊભી કરવાના હેતુથી વધારાનો હૉલ બનાવવા અને સોલાર પેનલ સ્થાપવા અંગેની દરખાસ્તને મંજૂરી આપી હતી. આ નિર્ણયથી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વધુ સુવિધાઓ ઉપલબ્ધ થવાની આશા છે. આ ઉપરાંત, ઉનાઈ માતાજીના મંદિરની મુલાકાત લઈ શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટેની સુવિધાઓ તેમજ રોકાણ માટેના હૉલની વ્યવસ્થા અંગે માહિતી મેળવી હતી.
નવતાડ ગામે ગ્રામ પંચાયતની મુલાકાત દરમિયાન ગામની પાયાની સુવિધાઓ, જર્જરિત શાળાઓ, આંગણવાડીઓ, આરોગ્ય કેન્દ્રને લગતા પ્રશ્નો, સંરક્ષણ દીવાલની જરૂરિયાત અને રસ્તાઓની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. ગામમાં પુસ્તકાલયની ઉપલબ્ધતા, અભ્યાસ કરતા બાળકોની સંખ્યા અને અન્ય સ્થાનિક પ્રશ્નો અંગે પણ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન વાંસદા પ્રાંત અધિકારી ભાર્ગવ માહલા, તાલુકા વિકાસ અધિકારી પ્રકાશ પટેલ, મામલતદારશ્ મિત મોદી તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.









