ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર અને કમિશનખોરીના આક્ષેપો

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

રાજ્ય કક્ષાની સ્ટેટ લેવલ વિજિલન્સ તપાસની માંગ..પેટા:-ડાંગ જિલ્લાનાં આહવા તાલુકા પંચાયતનાં સદસ્ય રાકેશભાઈ પવાર દ્વારા વિકાસ કમિશનર, ગાંધીનગરને લેખિત રજૂઆત કરી તમામ વિકાસ કામોની સ્થળ તપાસ અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગણી કરી..

ડાંગ જિલ્લાના આહવા તાલુકા પંચાયત વિસ્તારમાં વિવિધ સરકારી યોજનાઓ હેઠળ હાથ ધરવામાં આવતા વિકાસ કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર, કથિત કમિશનખોરી અને નબળી ગુણવત્તાનાં બાંધકામો અંગે ગંભીર આક્ષેપો સાથે આહવા તાલુકા પંચાયતના સદસ્ય રાકેશ પવાર દ્વારા વિકાસ કમિશનર, ગાંધીનગરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.આ રજૂઆતમાં સમગ્ર મામલે રાજ્ય કક્ષાની સ્ટેટ લેવલ વિજિલન્સ ટીમ દ્વારા તટસ્થ તપાસ હાથ ધરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે.આ રજૂઆતમાં જણાવ્યા મુજબ, આહવા તાલુકામાં વિવિધ વિકાસ કામોની કામગીરી દરમિયાન તાલુકા વિકાસ અધિકારી (TDO) તથા સંબંધિત શાખાના કેટલાક ટેકનિકલ અધિકારીઓ અને કર્મચારીઓની કથિત મિલીભગતથી કમિશન લેવાની પ્રથા ચાલતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.રજૂઆતકર્તાના જણાવ્યા અનુસાર, કથિત રીતે નિશ્ચિત ટકાવારીનું કમિશન આપ્યા વિના વિકાસ કામોનાં બિલો મંજૂર કરવામાં મુશ્કેલીઓ ઊભી થતી હોવાની ફરિયાદો છે.આવી કથિત કમિશનખોરીની પ્રથાને કારણે વિકાસ કામોની ગુણવત્તા પર વિપરીત અસર થતી હોવાની રજૂઆતમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આક્ષેપ મુજબ, કેટલાક કોન્ટ્રાક્ટરો દ્વારા અંદાજપત્ર અને નિયત ધોરણો મુજબની સામગ્રીનો ઉપયોગ કરવાને બદલે હલકી ગુણવત્તાની સામગ્રીથી બાંધકામ કરવામાં આવતું હોવાની શક્યતા છે. પરિણામે સરકારી નાણાંનો યોગ્ય ઉપયોગ થતો ન હોવાની સાથે પ્રજાને મળવાપાત્ર વિકાસલક્ષી સુવિધાઓની ગુણવત્તા સામે પણ સવાલો ઊભા થયા છે.

વધુમાં, રજૂઆતમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે કેટલાક વિકાસ કામોમાં સંબંધિત અધિકારીઓ દ્વારા સ્થળ પર જઈને વાસ્તવિક કામગીરીની ચકાસણી કર્યા વિના અથવા કામની ગુણવત્તાનું યોગ્ય મૂલ્યાંકન કર્યા વિના કાગળ પર કામગીરી પૂર્ણ દર્શાવી બિલો મંજૂર કરવામાં આવતાં હોવાની ફરિયાદો છે. જો આ આક્ષેપો સાચા સાબિત થાય, તો તે સરકારી નાણાંના ઉપયોગ અને વહીવટી જવાબદારીની દૃષ્ટિએ ગંભીર બાબત ગણાય.આહવા તાલુકાના અંતરિયાળ આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ કામોનો સીધો લાભ સ્થાનિક નાગરિકો સુધી પહોંચવો અત્યંત જરૂરી છે. પરંતુ વિકાસ કામોમાં ગેરરીતિઓ થતી હોવાના આક્ષેપોને કારણે પ્રજાના નાણાંના ઉપયોગ અંગે સવાલો ઊભા થયા છે. તાલુકા કક્ષાએ રજૂઆતો કરવા છતાં યોગ્ય કાર્યવાહી ન થઈ હોવાનો દાવો કરતા તાલુકા સદસ્ય રાકેશ પવારે હવે રાજ્ય કક્ષાએ રજૂઆત કરીને ન્યાયની માંગ કરી છે.આહવા તાલુકા પંચાયતનાં સદસ્ય રાકેશ પવાર દ્વારા વિકાસ કમિશ્નર સમક્ષ નીચે મુજબની મુખ્ય માંગણીઓ કરવામાં આવી છે,આહવા તાલુકામાં મંજૂર થયેલાં, પૂર્ણ થયેલાં તથા હાલ પ્રગતિ હેઠળનાં તમામ વિકાસ કામોની સ્ટેટ લેવલ વિજિલન્સ ટીમ દ્વારા તટસ્થ તપાસ અને સ્થળ પર ભૌતિક ચકાસણી કરવામાં આવે,જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે.તપાસ દરમિયાન ગેરરીતિ, ભ્રષ્ટાચાર કે ફરજમાં બેદરકારીના પુરાવા મળે તો તાલુકા વિકાસ અધિકારી (TDO) સહિત જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે લાગુ પડતા કાયદા તથા નિયમો મુજબ કડક કાયદેસર અને શિસ્તવિષયક કાર્યવાહી કરવામાં આવે,સાથે જ કોન્ટ્રાક્ટરો સામે પગલા ભરવાની માંગ ઉઠી.નબળી ગુણવત્તાનાં કામો અથવા ગેરરીતિઓ સાબિત થાય તો સંબંધિત કોન્ટ્રાક્ટરો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યુ છે.અને જરૂર જણાય ત્યાં તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવે તથા સરકારી નાણાની થયેલી નુકસાનીની નિયમોનુસાર વસૂલાત કરવામાં આવે,સાથે વિકાસ કામોમાં વપરાયેલી સામગ્રી, કામની ગુણવત્તા, મંજૂર અંદાજપત્ર, માપપોથી અને બિલોની ચકાસણી કરીને નાણાકીય ગેરરીતિઓ અંગે વિગતવાર તપાસ કરવામાં આવે.આહવા તાલુકાના વિકાસ કામોમાં પારદર્શિતા જળવાય, સરકારી નાણાંનો યોગ્ય ઉપયોગ થાય અને આદિવાસી તથા ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને ગુણવત્તાયુક્ત સુવિધાઓ મળી રહે તે હેતુથી સમગ્ર મામલાની ત્વરિત, નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેવી રાકેશ પવારે ભારપૂર્વક માંગ કરી છે.તેમણે રજૂઆતમાં આશા વ્યક્ત કરી છે કે રાજ્ય કક્ષાના સક્ષમ અધિકારીઓ દ્વારા આ ગંભીર બાબતને ધ્યાને લઈ યોગ્ય તપાસના આદેશ આપવામાં આવશે અને તપાસમાં ગેરરીતિઓ સાબિત થાય તો જવાબદારો સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે..

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો