વિપક્ષી ગઠબંધન ચૂંટણી પંચ સામે મોટો મોરચો માંડવાની તૈયારી કરી રહ્યું છે. વિરોધ પક્ષો દ્વારા 30 ઑક્ટોબરે મુખ્ય ચૂંટણી કમિશનર સામે ‘જન મહાભિયોગ’ અને 1 નવેમ્બરે દિલ્હીમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ આંદોલનની રણનીતિ ઘડવા માટે વિપક્ષી નેતાઓની એક મહત્ત્વની બેઠક યોજાઈ હતી. આ દરમિયાન પત્રકારો સાથે વાતચીતમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ અને ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા હતા.

કર્ણાટકમાં MLC ચૂંટણીના પરિણામો અંગે પૂછાયેલા સવાલના જવાબમાં મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે, કોંગ્રેસ આજે પણ બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ પર અડગ છે. તેમણે કહ્યું કે, ‘અમે આજે પણ બેલેટ પેપરથી ચૂંટણી યોજવાની માંગ કરી રહ્યા છીએ, માત્ર ભાજપ જીતી રહ્યું હોવાથી જ આ માંગ કરી રહ્યા નથી, પરંતુ અમે મેદાન નહીં છોડીએ. એક સમય એવો પણ હતો જ્યારે સંસદમાં ભાજપ પાસે માત્ર 2 બેઠકો હતી. ક્યારેક ચૂંટણી પરિણામો બદલાઈ શકે છે, પણ તેનો અર્થ એ નથી કે પક્ષનો જનાધાર ખતમ થઈ ગયો છે. ભાજપે બહુ મોટો દેખાવ કર્યો હોવાનો અહંકાર રાખવાની જરૂર નથી. જો તેમનામાં હિંમત હોય તો સંસદ ભંગ કરીને બેલેટ પેપરથી ફરી ચૂંટણી કરાવી જુએ.’
કોંગ્રેસ અધ્યક્ષે આગળ જણાવ્યું કે ચૂંટણી પંચમાં ગરબડ થઈ છે અને દેશમાં મત ચોરી થઈ રહી છે, જેની સામે અમારો વિરોધ ચાલુ રહેશે. તમામ વિપક્ષી પક્ષો આ લડતમાં સાથે છે. તેમણે જાહેરાત કરી હતી કે 30 ઑક્ટોબરે ‘મોક પાર્લામેન્ટ’ યોજાશે અને 1 નવેમ્બરે દિલ્હીમાં એક વિશાળ રેલી યોજવામાં આવશે, જેમાં દેશભરમાંથી લોકો ભાગ લેશે. લોકશાહીમાં સંઘર્ષ કર્યા વિના લોકોને જાગૃત કરી શકાતા નથી, તેથી વિપક્ષ આ લડત લડવા તૈયાર છે.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે યોજાનાર ‘જનતાનો મહાભિયોગ’ કાર્યક્રમની તૈયારીઓ માટે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને ‘ઇન્ડિયા’ ગઠબંધનના અગ્રણી નેતાઓની બેઠક મળી હતી. આ બેઠકમાં પ્રિયંકા ગાંધી વાડ્રા, કે.સી. વેણુગોપાલ, જયરામ રમેશ, ગૌરવ ગોગોઈ, મહુઆ મોઇત્રા, ડેરેક ઓ’બ્રાયન અને જોન બ્રિટાસ સહિતના વિપક્ષી નેતાઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સંસદની કાર્યવાહીની જેમ યોજવાનું આયોજન છે, જેમાં સત્તાપક્ષ અને વિપક્ષ બંને ભૂમિકામાં સાંસદો પોતાના વિચારો રજૂ કરશે. આ કાર્યક્રમમાં અંદાજે 40 વક્તાઓ સામેલ થવાની શક્યતા છે.
આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્ય ચૂંટણી કમિશનરની ભૂમિકા કોણ ભજવશે તે અંગે પણ ચર્ચા ચાલી રહી છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે પણ સભાને સંબોધન કરી શકે છે, જ્યારે પૂર્વ લોકસભા સ્પીકર મીરા કુમાર અધ્યક્ષતા કરે તેવી શક્યતા છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે જણાવ્યું કે આ કાર્યક્રમ 30 ઑક્ટોબરે બપોરે 3:30 વાગ્યે નવી દિલ્હી સ્થિત ખડગેના નિવાસસ્થાને 10 રાજાજી માર્ગ ખાતે યોજાશે. વિપક્ષે મુખ્ય ચૂંટણી કમિશનર પર બંધારણના મૂલ્યોનું ઉલ્લંઘન કરવાનો અને ચૂંટણી લોકશાહીને નબળી પાડવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.










