વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

દિવાળીના પવિત્ર પર્વ નિમિત્તે માનવતાની મહેક પ્રસરાવતો સેવાકીય પ્રસંગ ધરમપુર તાલુકાના ખારવેલ ગામે જોવા મળ્યો હતો. ખારવેલ ગામના પેલાડ ફળિયામાં રહેતા વિનોદભાઈ નવસુભાઈ ઠાકોર અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા બાદ છેલ્લા પાંચ વર્ષથી પથારીવશ છે. અકસ્માતમાં કરોડરજ્જુના અનેક મણકામાં ફ્રેક્ચર થતાં તેઓ જીવનની મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. પરિણામે પરિવારની આર્થિક સ્થિતિ પણ કફોડી બની છે.
આ પરિવારની પરિસ્થિતિની જાણ ઓઝરપાડાના યુવાન અમિત પટેલે સમસ્ત આદિવાસી સમાજના દક્ષિણ ગુજરાતના પ્રમુખ તથા ખેરગામના જાણીતા ગોલ્ડ મેડલિસ્ટ સર્જન ડો. નિરવ ભુલાભાઈ પટેલને કરી હતી. જાણ થતાં જ ડો. નિરવ પટેલે પરિવારની મુલાકાત લઈ દિવાળીની ભેટરૂપે એક મહિના સુધી ચાલે તેટલું અનાજ-કરિયાણું પૂરું પાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આ પ્રસંગે ડો. નિરવ પટેલે જણાવ્યું હતું કે, પરિવારમાં 90 વર્ષની વૃદ્ધ માતા અને પતિની થાક્યા વગર સેવા કરી રહેલાં પત્ની ખરેખર ધન્યવાદને પાત્ર છે. આ પરિવારને હજુ પણ સહાયની ખૂબ જરૂર છે. સમાજના દાનવીર અને સેવાભાવી લોકો આગળ આવી પરિવારને મદદરૂપ બને તેવી તેમણે અપીલ કરી હતી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કોઈપણ વ્યક્તિ આ પરિવારને મદદ કરવા ઇચ્છતી હોય તો સ્થાનિક સામાજિક આગેવાન અમિત પટેલનો મોબાઇલ નંબર 9727375197 પર સંપર્ક કરી રૂબરૂ મુલાકાત લઈ સહાય કરી શકે છે. આમ, જરૂરિયાતમંદ પરિવારની દિવાળી ખુશીઓથી ઉજવાય તેવા ઉમદા હેતુ સાથે સેવાકીય પહેલ કરવામાં આવી હતી.
આ પ્રસંગે સામાજિક આગેવાન વિજય કટારકર, કાર્તિક, કૃણાલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.









