કુદરતી આપદાના કારણે વિશ્વના બે અલગ-અલગ દેશોમાં ધરતી ધ્રૂજી ઊઠી હતી. એક તરફ જાપાનના શિમા ક્ષેત્ર નજીક 6.0 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ નોંધાયો હતો, તો બીજી તરફ ઈરાનના દક્ષિણ ભાગમાં આવેલા અતિ સંવેદનશીલ બુશેહર (Bushehr) ક્ષેત્રમાં 5.0 ની તીવ્રતાનો ભૂકંપ આવતાં ભારે ખળભળાટ મચી ગયો છે. સદનસીબે બંને ઘટનાઓમાં હાલ પૂરતી કોઈ મોટી જાનહાનિ કે આર્થિક નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી.

યુએસ જીઓલોજિકલ સર્વે (USGS) અનુસાર, જાપાનમાં રવિવારે સવારે 3:45 વાગ્યે આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ જાપાનના શિમાથી અંદાજે 58 કિલોમીટર દક્ષિણ-દક્ષિણ પૂર્વમાં સ્થિત હતું. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ 25 ઓક્ટોબરે પણ જાપાનના બોનિન દ્વીપ નજીક 6.3 ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. ટેક્ટોનિક પ્લેટોના સંગમસ્થાન (રિંગ ઓફ ફાયર) પર સ્થિત હોવાથી જાપાનમાં અવારનવાર આવી ભૂકંપીય પ્રવૃત્તિઓ થતી રહે છે.
બીજી તરફ, ઈરાનના દક્ષિણ વિસ્તારમાં આવેલ બુશેહર શહેરથી 115 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં 5.0 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. આ ભૂકંપની ઊંડાઈ જમીનથી માત્ર 10 કિમી નીચે હતી. ભૂકંપનું કેન્દ્ર ઈરાનનું એકમાત્ર સક્રિય એક્ટિવ ન્યુક્લિયર પાવર સેન્ટર (પરમાણુ રિયએક્ટર) ધરાવતો બુશેહર વિસ્તાર હોવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ કયાસો લગાવવાના શરૂ થઈ ગયા છે. નિષ્ણાતોના મતે ઈરાનનો આ દક્ષિણી ભાગ ભૂકંપની દ્રષ્ટિએ સંવેદનશીલ છે અને ટેક્ટોનિક પ્લેટોની હલચલને કારણે ત્યાં રોજના નાના-મોટા આંચકા નોંધાતા હોય છે.










