દિલ્હીના રામલીલા મેદાનમાં I.N.D.I.A. ગઠબંધનની મહારેલીમાં રાહુલ ગાંધી આક્રમક, જ્ઞાનેશ કુમાર પછી મોદીજી તમારો વારો

દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાન ખાતે આયોજિત I.N.D.I.A. ગઠબંધનની વિશાળ મહારેલીમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સૌથી આક્રમક ભાષણ આપ્યું હતું. મંચ પર પહોંચતાં જ તેમણે ગઠબંધનના તમામ દિગ્ગજ નેતાઓ અને ઉમટી પડેલા હજારો નાગરિકોનો આભાર માનીને સંબોધન શરૂ કર્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે દેશમાં ગમે તેટલા પૈસા કે સત્તા હોય, પરંતુ કોઈ પણ શક્તિ દેશના બંધારણ કરતાં મોટી હોઈ શકે નહીં.

રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું કે વિપક્ષ પ્રેમ અને અહિંસાની વિચારધારામાં માને છે અને તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પ્રત્યે કોઈ નફરત રાખતા નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે નરેન્દ્ર મોદી, અમિત શાહ કે જ્ઞાનેશ કુમારને નફરત કરતા નથી. અમે નફરત નહીં પણ પ્રેમની દુકાન ખોલનારા લોકો છીએ. અમે અહિંસાના પક્ષધર છીએ. મારા માટે કોઈ દુશ્મન નથી. ન તો નરેન્દ્ર મોદી, ન અમિત શાહ, ન જ્ઞાનેશ કુમાર. પરંતુ ભારતના પ્રત્યેક નાગરિકનો અવાજ મારા માટે ધર્મ કરતાં પણ વધુ મહત્ત્વનો છે. એ જ મારો ધર્મ છે. અમે હિંસાનો આશરો નહીં લઈએ, કોઈને નુકસાન નહીં પહોંચાડીએ અને નફરત નહીં ફેલાવીએ. અમે પ્રેમથી કામ કરીશું, પરંતુ અમે તમને બંધારણ ખતમ કરવા નહીં દઈએ. ગમે તે થઈ જાય, અમે આવું થવા નહીં દઈએ. આ નેતાઓએ દેશની આત્મા પર પ્રહાર કર્યો છે, જેને દેશ ક્યારેય સ્વીકારશે નહીં.

રાહુલ ગાંધીએ 2024ની લોકસભા ચૂંટણીની કાયદેસરતા સામે મોટો સવાલ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણી બાદ દેશના 15 ટકા મતદારોના નામ મતદાર યાદીમાંથી ગાયબ કરી દેવામાં આવ્યા હતા. આ આંકડા ખુદ ચૂંટણી પંચના ડેટામાંથી સામે આવી રહ્યા છે. મધ્યપ્રદેશ, હરિયાણા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને 2024ની ચૂંટણી સહિત અનેક રાજ્યોની ચૂંટણીઓમાં ઈવીએમ દ્વારા અને મતદાર યાદીમાં ગેરકાયદેસર રીતે નામો ઉમેરીને કે રદ કરીને મતોની ચોરી કરવામાં આવી છે. આ કોઈ સામાન્ય ચોરી નથી, જેવી રીતે કોઈ દુકાનમાંથી કંઈક ચોરાઈ જાય. આ દેશના પ્રત્યેક નાગરિકના અવાજની ચોરી છે. કાનૂની પરિભાષામાં આને ‘રેરેસ્ટ ઓફ રેર કેસ’ કહેવાય છે. આ દેશદ્રોહ છે. જ્ઞાનેશ કુમાર વગર નરેન્દ્ર મોદી ક્યારેય વડાપ્રધાન ન બન્યા હોત અને અમિત શાહ ક્યારેય ગૃહમંત્રી ન બની શક્યા હોત.

રાહુલ ગાંધીએ મુખ્ય ચૂંટણી કમિશનર સામે સીધું એલાન કરતાં કહ્યું કે દેશને ફરી સાચા પાટા પર લાવવાનું પ્રથમ પગલું જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવાનું છે. જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવામાં આવશે અને તેમણે જેલમાં જવું પડશે. અમિત શાહ કહે છે કે નરેન્દ્ર મોદી ક્યાંય જવાના નથી. હું કહેવા માંગુ છું કે તેમને ક્યાંય જવા દેવામાં નહીં આવે. જ્ઞાનેશ કુમાર પછી અમે તમારા માટે આવી રહ્યા છીએ. કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

59
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો