MORBI:મોરબી ટીંબડી ગામના પાટિયા પાસે જીવલેણ હુમલો; ઘાતક હથિયારોના પ્રહારથી 70 વર્ષીય વૃદ્ધનું મો*ત, બે યુવકો ગંભીર

(રીપોર્ટ મોહસીન શેખ મોરબી)

મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટિયા નજીક અસામાજિક તત્વો દ્વારા આચરવામાં આવેલી હિંસાની એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં બે ગાડી અને બાઈકમાં આવેલા શખ્સોએ ઘાતક હથિયારો સાથે અચાનક હુમલો કરી દેતા 70 વર્ષીય વૃદ્ધનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના ટીંબડી પાટિયા પાસે કેટલાક શખ્સો કોઈ અકળ કારણોસર એકત્ર થઈને અચાનક હુમલો કરી દીધો હતો. હુમલાખોરો બે ગાડી અને એક બાઈકમાં સવાર થઈને આવ્યા હતા અને તેમની પાસે છરી, ધારીયા તથા ધોકા જેવા જીવલેણ હથિયારો સજ્જ હતા.
આ આડેધડ અને ઘાતક હુમલામાં ખોડાભાઈ મોલડીયા નામના 70 વર્ષીય વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

આ હુમલામાં રવિભાઈ વિજવાડીયા અને જીગાભાઈ મોલડીયા નામના બે યુવકો પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. બનાવની જાણ થતાં જ સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે, જીગાભાઈ મોલડીયા નામના યુવકની તબિયત વધુ નાજુક અને ગંભીર જણાતા તેમને વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં જ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક કાફલા સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે સ્થિતિનો તાગ મેળવી મૃતદેહને પી.એમ. અર્થે ખસેડવાની સાથે નાસી છૂટેલા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી દીધી છે અને આગળની કાયદેસરની સઘન તપાસ હાથ ધરી છે.












