વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : માંગરોળ, ચોરવાડ અને શીલ સહિતના દરિયાકાંઠેથી માછીમારી માટે જતી બોટો અને ખલાસીઓની સલામતી તેમજ રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને રાખી વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
ભૂતકાળના બનાવોને આધારે ધ્યાને આવ્યું છે કે દરિયામાં બોટ ગુમ થયા બાદ લાંબા સમય સુધી બોટ માલિક દ્વારા સરકારી એજન્સીઓને તેની જાણ કરવામાં આવતી નથી, જેથી તે સમયગાળા દરમિયાન બોટ કે ક્રૂ-મેમ્બર્સનો રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિમાં દુરુપયોગ થવાની શક્યતા રહે છે. આવી ઘટનાઓ અટકાવવા જિલ્લા પોલીસ અધિક્ષકની દરખાસ્ત અન્વયે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી. એસ. બારડે BNSS, ૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
જાહેરનામા અનુસાર, ખરાબ હવામાન, અપહરણ કે અન્ય કોઈ પણ કારણોસર બોટ ગુમ થાય અથવા નિશ્ચિત સમયગાળા બાદ બોટ સાથે સંપર્ક ન થાય તો બોટ માલિકે નિયત આઠ મુદ્દાના પત્રકમાં સંપૂર્ણ વિગતો સાથે સરકારી એજન્સીઓને તાત્કાલિક જાણ કરવાની રહેશે. આ પત્રકમાં બોટનું નામ અને નંબર, માલિકનું નામ-સરનામું અને મોબાઈલ નંબર, ટંડેલ તથા ખલાસીઓની વિગતો, રવાના થયાની તારીખ અને પરત આવવાની સંભવિત તારીખ સહિતની માહિતી રજૂ કરવાની રહેશે. આ જાહેરનામું તા. ૦૪ નવેમ્બર, ૨૦૨૬ થી તા. ૦૨ જાન્યુઆરી, ૨૦૨૭ સુધી અમલમાં રહેશે. નિયમનો ભંગ કરનાર સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે.









