અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
દિવાળી પૂર્વે અરવલ્લી LCBની મોટી કાર્યવાહી: હુન્ડાઈ ક્રેટામાંથી વિદેશી દારૂની 833 બોટલ-ટીન ઝડપાયા
રામેશ્વરકંપા ગામની સીમમાં દારૂ ભરેલી કાર મૂકી ચાલક ફરાર – મોબાઈલ અને કાર સહિત રૂ. 12.29 લાખનો મુદ્દામાલ કબજે
અરવલ્લી જિલ્લામાં દિવાળીના તહેવારને અનુલક્ષીને ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને વેચાણ સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે અરવલ્લી લોકલ ક્રાઈમ બ્રાન્ચે ટીંટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કુલ રૂ. 12,29,415નો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસની મળતી માહિતી મુજબ, નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક આર.ડી. ડાભીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર દારૂ, જુગાર અને નશીલા પદાર્થોની હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અસરકારક કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી
જેના અનુસંધાને LCB પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એચ. ઝાલાની અધ્યક્ષતા હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.જે. તોમર, વી.ડી. વાઘેલા સહિતની LCB ટીમ શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન શામળાજી આશ્રમ પાસે હાઇવે રોડ પર વાહન ચેકિંગ દરમિયાન શામળાજી તરફથી આવતી સફેદ રંગની હુન્ડાઈ ક્રેટા કાર નંબર GJ.18.EE.1744ને રોકવાનો ઇશારો કરવામાં આવ્યો હતો.
જોકે, કારચાલકે વાહન ઊભું રાખવાને બદલે પૂરઝડપે હિંમતનગર તરફ ભગાડ્યું હતું. જેથી LCBની ટીમે ખાનગી વાહન દ્વારા પીછો કર્યો હતો. દરમિયાન જીવણપુરથી સરડોઈ તરફ જતા માર્ગ પર રામેશ્વરકંપા ગામની સીમમાં કારચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો.
પોલીસે કારની તપાસ કરતાં તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના કુલ 833 બોટલ-ટીન મળી આવ્યા હતા. જેની કિંમત રૂ. 2,24,415 થવા જાય છે. આ ઉપરાંત એક મોબાઈલ ફોન અને હુન્ડાઈ ક્રેટા કાર મળી કુલ રૂ. 12,29,415નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.દિવાળીના તહેવાર પૂર્વે અરવલ્લી LCBની આ કાર્યવાહીથી ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.




