સમીર પટેલ, ભરૂચ હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા, સાહોલ ખાતે 'સંવિધાન દિવસ'ની ઉત્સાહભેર અને ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે શાળા પરિવાર તેમજ વિદ્યાર્થીઓ દ્વારા ભારતીય સંવિધાનના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરજીની પ્રતિમાને ફૂલહાર તેમજ પુષ્પ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ શાળાના બાળકો અને સ્ટાફ મિત્રોએ ભારતીય સંવિધાનના આમુખનું વાંચન કરી દેશની એકતા, અખંડિતતા અને બંધારણીય મૂલ્યોના જતન માટેના શપથ ગ્રહણ કર્યા હતા.સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્યશ્રી નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના શિક્ષકગણ જયંતીભાઈ સોલંકી, નરેશભાઈ પટેલ તેમજ તેજસભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત શિક્ષકમિત્રો દ્વારા બાળકોને ભારતીય બંધારણનું મહત્વ, તેના ઘડતરની પ્રક્રિયા તેમજ નાગરિકોના મૂળભૂત અધિકારો અને ફરજો વિશે સરળ અને સચોટ માહિતી આપવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ આચાર્યશ્રીએ શાળા પરિવાર અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.