ઢાકા : બાંગ્લાદેશના રચયિતા શેખ મુજબ- ઉર- રહેમાનના પુત્રી શેખ હસીનાએ બાંગ્લાદેશ પરત ફરવાનો નિર્ણય કર્યાને પગલે દેશમાં હડકંપ મચી ગયો છે. દેશમાં અંધાધૂંધી પ્રસરી રહી છે. ખૂન-ખરાબા રોજીંદી ઘટના બની રહી છે. મંગળવારે રાત્રે આવામી લીગના નેતાની મોટરસાયકલ સવારોએ ગોળી ધરબી હત્યા કરી હતી. દૌલતપુર પોલીસ સ્ટેશનની હદમાં કલ્પતરુ માર્કેટ વિસ્તારમાં ૪૦ વર્ષના અબ્દુલ હમીદ શેખની હત્યા કરવામાં આવી હતી. ખુલના શહેર કોર્પોરશનમાં હલીમ આવામી લીગના વોર્ડ નં. ૪ના ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી તરીકે કાર્યરત હતા. પોલીસે જણાવ્યું હતું કે, મોટર સાઇકલ પર સવાર બે શખ્સોએ તેમના ઉપર જ ગોળીઓ છોડી હતી. આ ઘટના વિષે માહિતી આપતાં દૌલતપુર પોલીસ ઇન્સ્પેકટર ઝહીદા-ઉલ- ઇસ્લામે પત્રકારોને જણાવ્યું હતું કે, હત્યારાઓ મોટરસાયકલ પર આવ્યા હતા અને હલીમ ઉપર ગોળીઓ છોડી નાસી છૂટયા હતા. તેઓને તુર્ત જ ખુલના મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઇ જવાયા પરંતુ તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા.ખુલનામાં છેલ્લા કેટલાક સમયથી હત્યાઓની પરંપરા શરૂ થઈ ગઈ છે. પાલોન્કી રેસ્ટોરામાં ધાક-ધમકીથી પૈસા પડાવવાની બાબતે ગોળીબારી કરવામાં આવી હતી. નવેમ્બર ૨૪ના દિવસે બનેલી આ ઘટના અંગે પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ધાક-ધમકીથી પૈસા પડાવવાની ઘટનાઓ અને તેને પગલે ગોળીબારીની ઘટનાઓ લબન્યારા, સદર અને અંશઘાટા વિસ્તારોમાં પણ બની હતી. નવેમ્બર ૨૪થી હજી સુધીમાં એકલા ખુલના જિલ્લામાં જ ૮૧ વ્યકિતઓની હત્યાઓ થઈ છે. તે ગોળીબારીમાં ૧૦૦ થી વધુને ઇજાઓ થઇ છે. તે વિસ્તારના લોકો કહે છે કે, ઉપરા ઉપરી બનતી ગોળીબારીની ઘટનાઓ, વારંવાર થતી હત્યાઓને કારણે લોકોમાં દહેશત ફેલાઇ ગઇ છે. ખુલના શહેર અને આસપાસના વિસ્તારોમાં તાજેતરમાં જ ૪૦ની હત્યાઓ થઇ છે. આવામી લીગના કાર્યકરોના ૫૦ ઘરોને આગ ચાંપવામાં આવી છે. વિશ્લેષણકારો કહે છે કે, દેશમાં અરજાકતા અને અંધાધૂંધી ફેલાઈ રહ્યાં છે. વડાપ્રધાન તારિક રહેમાનને મોં દેખાડવા જેવું કશું રહ્યું નથી.