ગુજરાત ચૂંટણી પંચ દ્વારા રાજ્યની તમામ 182 વિધાનસભા મતવિસ્તારોની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત નવી મુસદ્દા(ડ્રાફ્ટ) મતદાર યાદી જાહેર કરાઈ છે. આ યાદી મુજબ રાજ્યમાં કુલ મતદારોનો આંકડો 4.48 કરોડને પાર પહોંચ્યો છે. છેલ્લા એક વર્ષમાં રાજ્યમાં 8.46 લાખ નવા મતદારોનો ઉમેરો થવાની સાથે કુલ મતદાર સંખ્યામાં 1.92 ટકાનો નોંધપાત્ર વધારો નોંધાયો છે. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ કુલ 4.48 કરોડ મતદારો, 2.30 કરોડ પુરુષ મતદારો, 2.17 કરોડ મહિલા મતદારો, થર્ડ જેન્ડર (અન્ય) કેટેગરીમાં 1,071 મતદારો મતદાર યાદીને વધુ સચોટ અને ભૂલરહિત બનાવવા ચૂંટણી પંચ દ્વારા નાગરિકોને 26 ડિસેમ્બર સુધી હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવાની તક અપાઈ છે. મતદાર યાદીમાં નવું નામ ઉમેરવા, સરનામું બદલવા કે અન્ય કોઈ સુધારા-વધારા કરવા માંગતા નાગરિકોની સુવિધા માટે ચૂંટણી પંચ દ્વારા ખાસ ઝુંબેશનું આયોજન કરાયું છે. જે અંતર્ગત આગામી 29 નવેમ્બર તેમજ 6 અને 13 ડિસેમ્બરના રોજ સવારે 10:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી રાજ્યના તમામ મતદાન મથકો પર બુથ લેવલ ઓફિસર (BLO) હાજર રહેશે. ત્યાં નાગરિકો રૂબરૂ જઈને જરૂરી ફોર્મ ભરી શકશે. ચૂંટણી પંચના નિયમ મુજબ 1 જાન્યુઆરી, 2027ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનારા તમામ યુવાનો મતદાર તરીકે પોતાનું નામ નોંધાવી શકશે. આ ઉપરાંત, જે યુવાનો આગામી વર્ષે એટલે કે 1 એપ્રિલ, 1 જુલાઈ અને 1 ઓક્ટોબર, 2027ના રોજ 18 વર્ષની વય પૂર્ણ કરવા જઈ રહ્યા છે, તેઓ પણ અત્યારથી જ એડવાન્સમાં અરજી કરી શકશે. જેમ-જેમ તેમની 18 વર્ષની વય પૂર્ણ થશે, તેમ તેમ તેમના નામ આપમેળે મતદાર યાદીમાં સમાવી લેવાશે. જે નાગરિકો મતદાન મથક પર જઈ શકે તેમ ન હોય તેઓ ચૂંટણી પંચના સત્તાવાર પોર્ટલ voters.eci.gov.in પર જઈને અથવા મોબાઇલમાં Voter Helpline App ડાઉનલોડ કરીને પણ પોતાનું નામ યાદીમાં ચકાસી શકે છે અને ઓનલાઇન ફોર્મ ભરી શકે છે. આ ઉપરાંત વધુ માહિતી માટે ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 1950નો સંપર્ક કરી શકાય છે.