વાત્સલ્યમ્ સમાચાર, પૂજા ઠક્કર - મુંદરા કચ્છ. ‘બહુત બઢીયા!’: કચ્છના ખાવડામાં અદાણીના વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટની મુલાકાતે દિલજીત દોસાંઝ મુંદરા – કચ્છ, ૨૭ નવેમ્બર, ૨૦૨૬: વૈશ્વિક સંગીત જગતના લોકપ્રિય કલાકાર દિલજીત દોસાંઝે કચ્છના ખાવડા ખાતે આવેલા અદાણી ગ્રુપના વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી અને બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટની મુલાકાત લઈને ભારતના ઝડપી ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશનની સરાહના કરી હતી. પોતાના દેશવ્યાપી કોન્સર્ટ ટૂરના ગુજરાત પ્રવાસ દરમિયાન સમય કાઢીને તેમણે આ સપ્તાહની શરૂઆતમાં ૫૩૮ ચોરસ કિલોમીટરમાં વિસ્તરેલા વિશાળ ખાવડા રિન્યુએબલ એનર્જી પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું. પ્રોજેક્ટની વિશાળતા અને ઝડપી કામગીરી જોઈને તેમણે “બહુત બઢીયા!” કહીને પોતાનો હર્ષ વ્યક્ત કર્યો હતો. મુલાકાત દરમિયાન દિલજીત દોસાંઝે પ્રોજેક્ટ સ્થળે કાર્યરત એન્જિનિયરો સાથે સીધો સંવાદ કર્યો હતો અને નજીકની માનવ વસાહતથી આશરે ૭૦થી ૧૦૦ કિલોમીટર દૂર આવેલા દુર્ગમ તથા ખારા રણપ્રદેશમાં આ મેગા પ્રોજેક્ટના અમલીકરણમાં રહેલા લોજિસ્ટિકલ અને ટેકનિકલ પડકારો વિશે વિગતો મેળવી હતી. આબોહવા પરિવર્તન સામેની ભારતની લડાઈમાં અગ્રિમ હરોળમાં રહીને કામ કરી રહેલા ‘અદાણી ગ્રીન વોરિયર્સ’ના સમર્પણ અને કામગીરીને તેમણે બિરદાવી હતી. પ્રોજેક્ટના વ્યુઇંગ ટાવર પરથી કલાકારે દૂર-દૂર સુધી પથરાયેલી સોલાર પેનલો અને ઊંચી વિન્ડ ટર્બાઇન્સનું મનોહર દૃશ્ય નિહાળ્યું હતું. ત્યારબાદ તેમણે સેન્ટ્રલ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી, જ્યાં સમગ્ર પ્રોજેક્ટની કામગીરીનું ડિજિટલ માધ્યમથી મોનિટરિંગ અને સંચાલન કેવી રીતે થાય છે તે અંગે તેમને માહિતી આપવામાં આવી હતી. પર્યાવરણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાના ભાગરૂપે તેમણે સેન્ટ્રલ કંટ્રોલ રૂમ પરિસરમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. આ પ્રસંગે ખાવડા ટીમ તરફથી દિલજીત દોસાંઝને કચ્છની પ્રસિદ્ધ ‘રોગન આર્ટ’ની કલાકૃતિ તેમજ કચ્છની સાંસ્કૃતિક ઓળખ સમા અજરખ પ્રિન્ટના સ્કાર્ફની સ્મૃતિભેટ અર્પણ કરવામાં આવી હતી. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) દ્વારા વિકસાવવામાં આવી રહેલો ૩૦ ગીગાવોટ ક્ષમતાનો આ પ્રોજેક્ટ ગીગાવોટ સ્તરના રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટના અમલીકરણ માટે વૈશ્વિક સ્તરે નવો માપદંડ સ્થાપી રહ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ અત્યાર સુધીમાં ૧૧ ગીગાવોટથી વધુની રિન્યુએબલ એનર્જી ક્ષમતા કાર્યરત થઈ ચૂકી છે અને સંપૂર્ણ વિકાસ બાદ અહીં ૨૬ ગીગાવોટ સોલાર તથા ૪ ગીગાવોટ વિન્ડ એનર્જીનું ઉત્પાદન થશે. ખાવડા પ્લાન્ટમાં એક જ સ્થળે કાર્યરત ૬.૬૩ ગીગાવોટ અવર (GWh) ક્ષમતા ધરાવતી વિશ્વની સૌથી મોટી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સ્થાપિત કરવામાં આવી છે, જે ભારતની કુલ કાર્યરત BESS ક્ષમતાના ૫૦ ટકાથી વધુ છે. આ સિસ્ટમ ચોવીસ કલાક વિશ્વસનીય ગ્રીન એનર્જી પૂરી પાડવા સાથે પાવર ગ્રીડની સ્થિરતા જાળવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, અને ભવિષ્યમાં અહીં કુલ ૫૦ ગીગાવોટ અવર બેટરી સ્ટોરેજ ક્ષમતા વિકસાવવાનું આયોજન છે. પેરિસ શહેર કરતાં પાંચ ગણા વિસ્તારમાં ફેલાયેલા આ પ્રોજેક્ટને સાકાર કરવામાં હાલ ૧૫,૦૦૦થી વધુ લોકો કાર્યરત છે, અને પૂર્ણ થયા બાદ તેની વિશાળતા અંતરિક્ષમાંથી પણ જોઈ શકાશે. આગામી પાંચ વર્ષમાં ભારતના ઊર્જા પરિવર્તન માટે આશરે ૧૦૦ અબજ અમેરિકન ડોલરનું રોકાણ કરવાની અદાણી ગ્રુપની પ્રતિબદ્ધતાનો આ પ્રોજેક્ટ એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. એક સમયે વેરાન ગણાતો કચ્છનો આ રણવિસ્તાર આજે ભારતના ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશનના કેન્દ્ર તરીકે ઊભરી આવ્યો છે, જે વાર્ષિક ૧.૭ કરોડથી વધુ ઘરોને વીજળી પૂરી પાડવાની ક્ષમતા ધરાવશે. વર્ષ ૨૦૨૯ સુધીમાં ખાવડા તમામ ઊર્જા સ્ત્રોતોને આવરી લેતો વિશ્વનો સૌથી મોટો પાવર જનરેશન પ્લાન્ટ બનશે અને વર્ષ ૨૦૩૦ સુધીમાં ૫૦૦ ગીગાવોટ નોન-ફોસિલ ફ્યુઅલ ઊર્જા ક્ષમતાના ભારતના રાષ્ટ્રીય લક્ષ્યાંકમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપશે. વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : -પુજા ઠક્કર, 9426244508, ptindia112@gmail.com