WAKANER:વાંકાનેરના રાતીદેવળી ગામે પૈસાની ઉઘરાણી મુદ્દે બે ભાઈઓ પર લાકડીઓ વડે હુમલો: ચાર સામે ફરિયાદ

વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે પૈસાની ઉઘરાણી મુદ્દે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ ચાર શખ્સોએ એક જ પરિવારના બે ભાઈઓ પર લાકડીઓ વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, રાતીદેવળી ગામે રહેતા અને મજૂરી કામ કરતા પ્રકાશભાઈ ઉર્ફે પીન્ટુ લાલજીભાઈ વોરા (ઉં.વ. ૩૫) પાસેથી તેમના જ ગામના બાવજીભાઈ ઉર્ફે કાળુભાઈ સીદાભાઈ વોરા બાકી નીકળતા રૂપિયાની ઉઘરાણી કરી રહ્યા હતા. પ્રકાશભાઈએ હાલ પૈસા ન હોવાનું જણાવતાં બાવજીભાઈ ઉશ્કેરાઈ ગયા હતા.
આ બાબતનો ખાર રાખી બાવજીભાઈ ઉપરાંત અમૃતભાઈ મેઘજીભાઈ વોરા, ઉપેન્દ્રભાઈ રવજીભાઈ વોરા અને વિજયભાઈ પરસોતમભાઈ વોરાએ એકસંપ થઈ પ્રકાશભાઈ તેમજ તેમના સાથી દલીપભાઈને બેફામ ગાળો આપી હતી. ત્યારબાદ ચારેય શખ્સોએ બંને ભાઈઓ પર લાકડીઓ વડે હુમલો કરી શરીરે મૂઢ ઈજાઓ પહોંચાડી હતી.
આ બનાવ અંગે પ્રકાશભાઈ વોરાએ ચારેય આરોપીઓ સામે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.










