
તાલુકા સદસ્યોને વિશ્વાસમાં લીધા વિના કામોને વહીવટી મંજૂરી અપાતી હોવાનો આક્ષેપ :-ન્યાય નહીં મળે તો હાઈકોર્ટમાં રિટ કરવાની ચીમકી..

ડાંગ જિલ્લા આયોજન કચેરી દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે ATVT (વિકાસશીલ તાલુકા) યોજના હેઠળ આહવા, વઘઈ અને સુબીર તાલુકા માટે મંજૂર કરવામાં આવેલા કુલ રૂ. ૪૫૦ લાખના વિવિધ વિકાસ કામોના આયોજનને લઈને સ્થાનિક જનપ્રતિનિધિઓમાં નારાજગી જોવા મળી રહી છે.આ અંગે તાલુકા પંચાયત આહવાના સદસ્ય રાકેશભાઈ ભરતભાઈ પવારે વિકાસ કમિશનર તેમજ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી સમગ્ર પ્રક્રિયા અંગે ગંભીર આક્ષેપો કર્યા છે.રજૂઆતમાં જણાવ્યા મુજબ, ચૂંટાયેલા સ્થાનિક જનપ્રતિનિધિઓ એવા તાલુકા સદસ્યોને વિશ્વાસમાં લીધા વિના, તેમની સાથે કોઈ ચર્ચા કે પરામર્શ કર્યા વગર વિકાસ કામો નક્કી કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, સમગ્ર પ્રક્રિયાની જાણકારીથી જનપ્રતિનિધિઓને દૂર રાખવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.રજૂઆતમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે તાલુકા પંચાયત દ્વારા જરૂરી કમિટી રચ્યા વિના વિકાસ કામોની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે અને કેટલાક કામો પોતાના માનીતા લોકોને ફાળવવામાં આવી રહ્યા છે. જોકે, આ અંગે સંબંધિત તંત્ર તરફથી સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી.
ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને વિશ્વાસમાં લીધા વિના વિકાસ કામોનું આયોજન અને અમલીકરણ કરવામાં આવે તો તે પંચાયતી રાજની વ્યવસ્થા, લોકશાહી મૂલ્યો અને સ્થાનિક સ્વરાજની ભાવનાને અસર કરતું હોવાનો રાકેશ પવારે રજૂઆતમાં ઉલ્લેખ કર્યો છે.આથી, તાલુકા સદસ્યોને વિશ્વાસમાં લીધા વિના હાથ ધરવામાં આવેલી વિકાસ કામોની સમગ્ર પ્રક્રિયા તાત્કાલિક અટકાવી તેની પુનઃવિચારણા કરવામાં આવે તેમજ પારદર્શક અને ન્યાયી રીતે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.રજૂઆતના અંતે જણાવાયું છે કે જો આ સમગ્ર મામલે યોગ્ય અને ન્યાયી કાર્યવાહી કરવામાં નહીં આવે તો ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના અધિકારો અને લોકશાહી મૂલ્યોના રક્ષણ માટે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરવામાં આવશે. જરૂર જણાય તો સંબંધિત ક્ષેત્રાધિકાર ધરાવતી અદાલતમાં પણ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવાની ચીમકી આપવામાં આવી છે.આ સમગ્ર મામલે હવે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે અને ATVT યોજના હેઠળના વિકાસ કામોની પ્રક્રિયા અંગે શું સ્પષ્ટતા કરવામાં આવે છે તેના પર સૌની નજર મંડાઈ છે.








