વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

મહિલા અને બાળ વિકાસ વિભાગ, સુરત ગ્રામ્ય અંતર્ગત ડાંગ જિલ્લામાં આઈ.સી.ડી.એસ. (ICDS) વિભાગના સંકલનથી તા. ૨૫ સપ્ટેમ્બરથી તા. ૦૩ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન જિલ્લાની તમામ આંગણવાડીઓમાં ‘આંગણ ઉત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત વઘઈ તાલુકાના ડુંગરડા આંગણવાડી કેન્દ્ર ખાતે ઉત્સાહભેર ‘આંગણ ઉત્સવ’ યોજાયો હતો. આ પ્રસંગે ઉપ સરપંચ સુનિલભાઈ ચોર્યાએ જણાવ્યું હતું કે, આંગણવાડીઓમાં બાળકોના સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવામાં આવે છે. બાળકોને દિવસમાં ત્રણ વખત પૌષ્ટિક આહાર આપવા સાથે દર મહિને નિયમિત આરોગ્ય તપાસ પણ કરવામાં આવે છે. બાળકના શારીરિક અને માનસિક વિકાસમાં આંગણવાડી કેન્દ્રો પાયારૂપ ભૂમિકા ભજવે છે.
કાર્યક્રમમાં વર્લ્ડ વિઝન ઇન્ડિયાના પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર સુકીર્તિ ખ્રિસ્તાનંદે પ્રાસંગિક ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે, આંગણવાડી એ બાળકોના સ્વાસ્થ્ય, શિક્ષણ અને સર્વાંગી વિકાસનો મજબૂત પાયો ઘડે છે. પડકારો વચ્ચે પણ આંગણવાડી કાર્યકર, તેડાગર અને આશા બહેનો જે નિષ્ઠાપૂર્વક સેવા આપે છે તે સરાહનીય છે. તેમણે વાલીઓને બાળકોને નિયમિત આંગણવાડી મોકલવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત કિશોરીઓ, ધાત્રી માતાઓ અને સગર્ભા બહેનો સરકારશ્રી દ્વારા અપાતા બાળભોગ, પૂર્ણા આહાર તેમજ માતૃશક્તિ પેકેટનો નિયમિત અને યોગ્ય ઉપયોગ કરે તો કુપોષણને નાથી શકાય છે તેમ જણાવી ગ્રામજનોને સહકાર આપવા અપીલ કરી હતી.
આ પ્રસંગે ‘ટેક હોમ રેશન’ (THR) અને ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ (MMY) યોજનાના લાભ અંગે વૈશાલીબેન વિક્રમભાઈ ચૌધરી, વૈશાલીબેન સંતોષભાઈ ચૌધરી તેમજ અરુણાબેન નૈનેશભાઈએ પોતાના સકારાત્મક પ્રતિભાવો રજૂ કર્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ‘સેવિયર એક્યુટ માલન્યુટ્રિશન’ (SAM) અંતર્ગત લાલ કેટેગરીમાંથી પીળી કેટેગરીમાં એટલે કે સુધારા તરફ આવેલા બે બાળકોને કલરબોક્સ અને પુષ્પ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સાથે ઉત્કૃષ્ટ સેવા બદલ આંગણવાડી કાર્યકર જશોદાબેન ગાંગોડા, આશા વર્કર ભાવનાબેન હળપતિ અને તેડાગર હેમુબેનને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત તમામ બાળકો અને ગ્રામજનોને સુખડી તેમજ ફળનું વિતરણ કરાયું હતું.
આ ઉત્સવમાં ડુંગરડા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી વસંતીબેન ચૌધરી, ઉપ સરપંચ સુનિલભાઈ ચોર્યા, આગેવાનો, વાલીઓ તેમજ મોટી સંખ્યામાં કિશોરીઓ ઉપસ્થિત રહી હતી.









