રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ સહિત રાજ્યભરમાં મધ્યરાત્રિ બાદથી વહેલી પરોઢ સુધી નરી આંખે નિહાળી શકાશે ઉલ્કાવર્ષા કલાકના ૧૦થી ૧૨૦ સુધી ઉલ્કાઓ ખરવાની સંભાવના, સ્વચ્છ અને વાદળમુક્ત આકાશમાં ખગોળપ્રેમીઓ માણી શકશે અવકાશી નજારો અમદાવાદ: વર્ષ ૨૦૨૬ની આખરી અને સૌથી આકર્ષક ખગોળીય ઘટનાઓમાંની એક એવી જેમીનીડ્સ ઉલ્કાવર્ષા ડિસેમ્બર મહિનામાં આકાશમાં અદભૂત નજારો સર્જવા જઈ રહી છે. આગામી તા. ૪થી ૧૭ ડિસેમ્બર દરમિયાન આ ઉલ્કાવર્ષા જોવા મળશે, જ્યારે તા. ૧૩ અને ૧૪ ડિસેમ્બરની રાત્રિએ તેની મહત્તમ પ્રવૃત્તિ જોવા મળવાની સંભાવના છે. આ દિવસોમાં અમદાવાદ, રાજકોટ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં મધ્યરાત્રિ બાદથી વહેલી પરોઢ સુધી સ્વચ્છ આકાશમાં નરી આંખે ઉલ્કાવર્ષા નિહાળી શકાશે. ભારત જન વિજ્ઞાન જાથાની રાજ્ય કચેરી દ્વારા આ ખગોળીય ઘટનાનો આનંદ માણવા માટે રાજ્યભરમાં વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. જાથાએ નાગરિકો, વિદ્યાર્થીઓ અને ખગોળપ્રેમીઓને આકાશદર્શન કરીને આ અદભૂત કુદરતી ઘટનાનો અનુભવ કરવા અપીલ કરી છે. જાથાના રાજ્ય ચેરમેન અને એડવોકેટ જયંત પંડ્યાના જણાવ્યા અનુસાર, જેમીનીડ્સ ઉલ્કાવર્ષા દર વર્ષે ડિસેમ્બર મહિનામાં જોવા મળતી જાણીતી ઉલ્કાવર્ષાઓમાંની એક છે. તા. ૪ ડિસેમ્બરથી તેની શરૂઆત થશે અને તા. ૧૩ તથા ૧૪ ડિસેમ્બરે તે ચરમસીમાએ પહોંચવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન અનુકૂળ પરિસ્થિતિઓમાં કલાકના ૧૦થી ૫૦ અને કેટલાક વિસ્તારોમાં ૧૨૦ જેટલી ઉલ્કાઓ જોવા મળી શકે છે. ખાસ કરીને મધ્યરાત્રિ બાદથી સૂર્યોદય પહેલાંનો સમય ઉલ્કાવર્ષા નિહાળવા માટે વધુ અનુકૂળ રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઉલ્કાવર્ષા નિહાળવા માટે સ્વચ્છ, વાદળમુક્ત અને ઓછા પ્રકાશ પ્રદૂષણવાળું સ્થળ પસંદ કરવું જોઈએ. શહેરની કૃત્રિમ લાઇટોથી દૂર ખુલ્લા મેદાન, દરિયાકિનારા કે અન્ય અંધકારમય સ્થળોએથી આકાશદર્શન વધુ સ્પષ્ટ થઈ શકે છે. આકાશના ઉત્તર અને પૂર્વ દિશાના વિસ્તારો પર નજર રાખવાની સાથે સમગ્ર આકાશનું નિરીક્ષણ કરવાથી પણ ઉલ્કાઓ જોવા મળવાની શક્યતા રહે છે. આકાશદર્શન માટે કોઈ વિશેષ સાધનની જરૂર પડતી નથી અને નરી આંખે પણ આ નજારો માણી શકાય છે. જમીનીડ્સ ઉલ્કાવર્ષાની વિશેષતા તેની તેજસ્વિતા અને ઝડપી ગતિ છે. આ ઉલ્કાઓ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે ત્યારે પ્રતિ સેકન્ડ આશરે ૩૫ કિલોમીટરની ઝડપે ગતિ કરે છે. વાતાવરણ સાથેના ઘર્ષણને કારણે તે પ્રકાશિત થઈને આકાશમાં ક્ષણિક પ્રકાશરેખા સર્જે છે. કેટલીક ઉલ્કાઓ વધુ તેજસ્વી હોવાથી ફાયરબોલ જેવી દેખાઈ શકે છે. આકાશમાં પીળાશ પડતા, લીલાશ પડતા અને અન્ય રંગછટા ધરાવતા પ્રકાશના દૃશ્યો પણ જોવા મળી શકે છે. જમીનીડ્સ ઉલ્કાવર્ષા સામાન્ય ધૂમકેતુઓને બદલે ૩૨૦૦ ફેથોન નામના પૃથ્વીની નજીકથી પસાર થતા લઘુગ્રહ સાથે સંકળાયેલી છે. આ લઘુગ્રહ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરતી વખતે અવકાશમાં ધૂળ અને નાના કણોનો પ્રવાહ છોડે છે. દર વર્ષે ડિસેમ્બર મહિનામાં પૃથ્વી પોતાની ભ્રમણકક્ષામાંથી પસાર થતી વખતે આ કણોના પ્રવાહના સંપર્કમાં આવે છે. આ કણો પૃથ્વીના વાતાવરણમાં ઊંચી ઝડપે પ્રવેશતાં પ્રકાશિત થાય છે અને તેના પરિણામે આકાશમાં ઉલ્કાવર્ષાનો અદભૂત નજારો સર્જાય છે. જાથાના જણાવ્યા અનુસાર, ઉલ્કાવર્ષા એ ખગોળવિજ્ઞાનની દૃષ્ટિએ અભ્યાસ અને નિરીક્ષણ માટે મહત્ત્વપૂર્ણ ઘટના છે. પૃથ્વી દરરોજ અવકાશમાંથી આવતા અસંખ્ય નાના કણોના સંપર્કમાં આવે છે. તેમાંથી મોટા ભાગના કણો વાતાવરણમાં જ બળી જાય છે અને જમીન સુધી પહોંચતા નથી. આ પ્રકારની ખગોળીય ઘટનાઓ દ્વારા પૃથ્વી, સૌરમંડળ અને અવકાશમાં રહેલા ધૂળકણો તથા લઘુગ્રહો વિશે વધુ જાણવાની તક મળે છે. વિદ્યાર્થીઓ અને બાળકોમાં વિજ્ઞાન તથા ખગોળવિજ્ઞાન પ્રત્યે જિજ્ઞાસા વધે અને તેઓ અવકાશી ઘટનાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરતાં થાય તે હેતુથી જાથા દ્વારા રાજ્યભરમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજકોટ, અમરેલી, બોટાદ, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી, રાજપીપળા, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર, કચ્છ, અમદાવાદ, આણંદ, નડિયાદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, વાવ-થરાદ, પાલનપુર, ધાનેરા, ડીસા, હિંમતનગર, ગાંધીધામ, માંડવી, અંજાર, મોરબી, પાવાગઢ અને ગોધરા સહિત રાજ્યના વિવિધ શહેરો અને નગરોમાં મધ્યરાત્રિથી વહેલી પરોઢ સુધી આકાશદર્શનની વ્યવસ્થા ગોઠવવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ આયોજનમાં જાથાના દિનેશ હુંબલ, નિર્ભય જોશી, રાજુ યાદવ, કાર્તિક ભટ્ટ, અશ્વિન કુગશીયા, નિર્મળ મેત્રા, વિક્રમ કુગશીયા, ભોજાભાઈ ટોયટા, આકાશ પંડ્યા, હર્ષાબેન વકીલ, ભક્તિબેન રાજગોર, ભાનુબેન શેઠીયા સહિત અનેક સભ્યો જોડાઈને તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. જમીનીડ્સ ઉલ્કાવર્ષા નિહાળવા અને આયોજન અંગે વધુ માહિતી મેળવવા માટે નાગરિકો મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ પર સંપર્ક કરી શકશે. ડિસેમ્બરની આ અવકાશી ઘટના વિજ્ઞાનપ્રેમીઓ, વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો માટે કુદરતના અદભૂત ખગોળીય નજારાને નજીકથી સમજવાની અને માણવાની અનોખી તક બની રહેશે.