MORBI:મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ અને ORPAT ગ્રુપના પ્રવિણભાઈ પટેલનું નિધન: સમગ્ર પંથકમાં શોકનું મોજું,

MORBI:મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ અને ORPAT ગ્રુપના પ્રવિણભાઈ પટેલનું નિધન: સમગ્ર પંથકમાં શોકનું મોજું, આજે સાંજે ચાચાપરમાં અંતિમ સંસ્કાર

 

મોરબીના ઔદ્યોગિક વિકાસમાં મહત્વનું યોગદાન આપનાર જાણીતા ઉદ્યોગપતિ અને ORPAT (ઓરપેટ) ગ્રુપના પ્રવિણભાઈ પટેલ (પ્રવીણભાઈ ઓધવજીભાઈ ભાલોડીયા)નું દુઃખદ અવસાન થયું છે. તેઓ મોરબીના ઉદ્યોગ જગતના પાયાના પથ્થર અને ‘ભામાશા’ તરીકે ઓળખાતા સ્વ. ઓ.આર. પટેલના સુપુત્ર હતા. તેમના નિધનના સમાચાર મળતાં જ ઔદ્યોગિક આલમ અને સમગ્ર મોરબી પંથકમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.

આજે સાંજે ૫ વાગ્યે નીકળશે અંતિમયાત્રા

પરિવારજનોના જણાવ્યા અનુસાર, સ્વ. પ્રવિણભાઈ પટેલની અંતિમ યાત્રા આજે મંગળવારના રોજ સાંજે ૫:૦૦ કલાકે તેમના નિવાસસ્થાન ‘રેવા પેલેસ’, સનાળા રોડ, મોરબી ખાતેથી નીકળશે. ત્યારબાદ તેમના પૈતૃક ગામ ચાચાપર ખાતે આવેલા સ્મશાનગૃહમાં તેમની અંતિમવિધિ સંપન્ન કરવામાં આવશે.

મોરબીના ઘડિયાળ ઉદ્યોગને વૈશ્વિક ઓળખ અપાવી

મૂળ શિક્ષક એવા સ્વ. ઓ.આર. પટેલે વર્ષ ૧૯૭૧માં મોરબીમાં એક નાની જગ્યાએથી દીવાલ ઘડિયાળ બનાવવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ વર્ષ ૧૯૭૫માં માત્ર ૧૯ વર્ષની નાની વયે પ્રવિણભાઈ પટેલ આ પારિવારિક વ્યવસાયમાં જોડાયા હતા. પિતા-પુત્રની દીર્ઘદ્રષ્ટિ અને અથાગ મહેનતથી “મોરબીની ઘડિયાળ” દેશ-વિદેશમાં ઘર-ઘર સુધી પહોંચી અને મોરબીને ક્લોક મેન્યુફેક્ચરિંગનું વૈશ્વિક હબ બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી.

ORPAT ગ્રુપનો વિકાસ અને વિસ્તરણ

પ્રવિણભાઈ પટેલે ORPAT ગ્રુપ થકી વ્યવસાયને નવી ઊંચાઈઓ આપી. ઘડિયાળથી શરૂ થયેલી સફર આગળ જતાં ઈલેક્ટ્રોનિક્સ, હોમ એપ્લાયન્સિસ અને ગ્રીન એનર્જી ક્ષેત્રે વિસ્તરી. ગ્રુપે ૧૯૯૦ના દાયકામાં કેલ્ક્યુલેટર અને ટેલિફોનનું ઉત્પાદન શરૂ કરીને બજારમાં આગવું સ્થાન બનાવ્યું હતું. આજે ઓરપેટ બ્રાન્ડ હેઠળ પંખા, સ્વિચ, લાઈટ અને હોમ એપ્લાયન્સિસ સહિતના ઉત્પાદનો દેશ ઉપરાંત વિદેશમાં પણ નિકાસ થાય છે.

મહિલા સશક્તિકરણ અને સામાજિક યોગદાન

પ્રવિણભાઈ માત્ર એક સફળ ઉદ્યોગપતિ જ નહીં, પરંતુ એક સંવેદનશીલ સમાજસેવક પણ હતા. ૧૯૮૫-૮૬ના દાયકામાં જ્યારે મહિલાઓ ઘરની બહાર કામ કરવા ઓછી નીકળતી, ત્યારે પ્રવિણભાઈ અને તેમના પત્નીએ ઘરે-ઘરે જઈને મહિલાઓને આત્મનિર્ભર બનવા પ્રેરિત કરી હતી અને ફેક્ટરીમાં રોજગારી આપી હતી. હજારો પરિવારોને આર્થિક રીતે પગભર બનાવવામાં તેમનું મોટું યોગદાન રહ્યું છે.

પ્રવિણભાઈ પટેલના નિધનથી મોરબીએ એક સ્વપ્નદ્રષ્ટા ઉદ્યોગપતિ અને સાચા સમાજસેવક ગુમાવ્યા છે, જેની ખોટ લાંબા સમય સુધી વર્તાશે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો