વિજાપુરમાં આશ એજ્યુકેશન ટ્રસ્ટના મહા નવરાત્રિ મહોત્સવમાં ૩ હજારથી વધુ લોકો ઉમટ્યા
અમૃત વિદ્યાધામ કેમ્પસમાં મહાઆરતી સાથે ભક્તિ અને ગરબાનો અનોખો સંગમ; પરંપરાગત પોશાકમાં ખેલૈયાઓએ માણ્યો નવરાત્રિનો રંગ

વાત્સલ્યમ સમાચાર સૈયદજી બુખારી વિજાપુર
નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે વિજાપુરની આશ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અમૃત વિદ્યાધામ કેમ્પસ ખાતે મહા નવરાત્રિ મહોત્સવ અને મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
કે.જી.થી લઈને કોલેજ સુધીની તમામ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ, સ્ટાફ પરિવાર અને વાલીઓને એકસાથે જોડતા આ મહોત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. મહાઆરતીમાં ટ્રસ્ટીગણ, સ્ટાફ પરિવાર, વિદ્યાર્થીઓ અને વાલીઓ સહિત ૩,૦૦૦થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા.
નવરાત્રિના રંગે રંગાયેલા કેમ્પસમાં પરંપરાગત પોશાક પહેરીને આવેલા ખેલૈયાઓએ મન મૂકીને ગરબે ઘૂમી ઉત્સવની ખુશી વ્યક્ત કરી હતી. રંગબેરંગી પરંપરાગત વસ્ત્રો, ગરબાના તાલ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે સમગ્ર કેમ્પસમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. મહાઆરતીના પાવન પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ સામૂહિક રીતે આરતીમાં જોડાઈ માતાજીની આરાધના કરી હતી.
આ મહોત્સવની વિશેષતા એ રહી કે તેમાં ટ્રસ્ટ સાથે સંકળાયેલી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો, સ્ટાફ પરિવાર અને વાલીઓ એક જ મંચ પર એકત્રિત થયા હતા. શિક્ષણની સાથે ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને ધાર્મિક મૂલ્યોનું જતન થાય તેમજ વિદ્યાર્થીઓમાં સામૂહિક ભાવના અને સામાજિક એકતાની લાગણી મજબૂત બને તેવા હેતુથી આયોજિત આ ઉત્સવ સૌ માટે યાદગાર બની રહ્યો હતો.
સમગ્ર કાર્યક્રમને સુવ્યવસ્થિત અને સફળ બનાવવા પ્રિન્સિપાલ ચેતન પટેલે તમામ સાથે સંકલન સાધીને માઇક્રો પ્લાનિંગ કર્યું હતું. આયોજનની વિવિધ બાબતોનું પૂર્વઆયોજન અને સંકલનના પરિણામે મહોત્સવ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્ટાફ પરિવારે નવરાત્રિના પર્વની આનંદભેર ઉજવણી કરી હતી.
આશ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત આ મહા નવરાત્રિ મહોત્સવે શિક્ષણની સાથે સંસ્કાર, સંસ્કૃતિ અને સામૂહિક સહભાગિતાના મહત્વને ઉજાગર કર્યું હતું. અમૃત વિદ્યાધામ કેમ્પસમાં યોજાયેલા આ ઉત્સવે વિદ્યાર્થીઓ અને વાલીઓ વચ્ચે આત્મીયતા વધારવાની સાથે નવરાત્રિના પર્વને યાદગાર બનાવ્યો હતો.









