તા.૨૭/૧૧/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર આલેખન - રાજકુમાર જિલ્લામાં ૭૦૨ વ્યાજબી ભાવની દુકાનોના માધ્યમથી ૩.૦૬ લાખથી વધુ પરિવારોના ૧૧.૬૭ લાખ લાભાર્થીઓ સુધી દર મહિને પહોંચે છે નિઃશુલ્ક અનાજ અંત્યોદય પરિવારોને દર મહિને ૩૫ કિલો અને અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિદીઠ ૫ કિલો અનાજનું વિતરણ; 'વન નેશન, વન રાશનકાર્ડ'થી દેશભરમાં અન્ન સુરક્ષાની સુવિધા Rajkot: પરિવારની આર્થિક પરિસ્થિતિ ગમે તેવી હોય, પરંતુ દરેક સભ્યને બે ટંકનું ભોજન મળી રહે તે દરેક પરિવારની પ્રાથમિક ચિંતા હોય ખાસ કરીને આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ પરિવારો માટે અનાજની ઉપલબ્ધતા માત્ર જીવનનિર્વાહનો આધાર નહીં, પરંતુ સુરક્ષિત જીવનની આશા પણ છે. આવી જ અન્ન સુરક્ષાની ભાવનાને સાકાર કરતી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના લાખો પરિવારો માટે આશીર્વાદરૂપ બની રહી છે. અન્ન સુરક્ષાની ખાતરી, લાખો પરિવારોને રાહત રાષ્ટ્રીય અન્ન સલામતી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત અમલી આ યોજના દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને નિઃશુલ્ક અનાજ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં પણ આ યોજનાનો વ્યાપક અમલ થઈ રહ્યો છે. જિલ્લાના ૭૦૨ વાજબી ભાવની દુકાનો મારફતે ૩,૦૬,૩૮૧ રેશનકાર્ડધારક પરિવારોના કુલ ૧૧,૬૭,૭૧૬ લાભાર્થીઓને દર મહિને અનાજ પહોંચાડવામાં આવે છે. આ વ્યવસ્થા દ્વારા જિલ્લાના લાખો નાગરિકોને અનાજ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. યોજના અંતર્ગત અંત્યોદય રેશનકાર્ડ ધરાવતા પરિવારોને દર મહિને ૧૫ કિલો ઘઉં, ૧૫ કિલો ચોખા અને ૫ કિલો બાજરી મળી કુલ ૩૫ કિલો અનાજ નિઃશુલ્ક આપવામાં આવે છે. જ્યારે અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિદીઠ ૨ કિલો ઘઉં, ૧ કિલો ચોખા અને ૨ કિલો બાજરી મળી કુલ ૫ કિલો અનાજ વિનામૂલ્યે આપવામાં આવે છે. આ ઉપરાંત લાભાર્થીઓને ખાંડ, ચણા, તુવેરદાળ અને મીઠું પણ રાહતદરે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં ઓક્ટોબર માસ દરમિયાન જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ નોંધપાત્ર પ્રમાણમાં અનાજ અને જીવનજરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ૨,૪૧૦.૯૮ મેટ્રિક ટન ઘઉં, ૧,૩૪૩.૬૪ મેટ્રિક ટન ચોખા અને ૨,૧૬૨.૬૧ મેટ્રિક ટન બાજરીનું વિતરણ થયું હતું. આ ઉપરાંત ૨૪૬.૨૨ મેટ્રિક ટન તુવેરદાળ, ૨૪૯.૬૨ મેટ્રિક ટન ચણા, ૧૦૯.૧૩ મેટ્રિક ટન ખાંડ અને ૧૯૧.૧૯ મેટ્રિક ટન મીઠું પણ રેશનકાર્ડના માધ્યમથી લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યું હતું. આ આંકડાઓ જિલ્લામાં યોજનાના વ્યાપ અને જાહેર વિતરણ વ્યવસ્થાની પહોંચને પ્રતિબિંબિત કરે છે. વન નેશન, વન રાશનકાર્ડ' : સરહદોથી પર અન્ન સુરક્ષાની સુવિધા રોજગાર કે અન્ય કારણોસર એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરતા પરિવારોને પણ અનાજનો લાભ મળી રહે તે માટે 'વન નેશન, વન રાશનકાર્ડ' યોજના મહત્ત્વપૂર્ણ બની છે. આ સુવિધા હેઠળ દેશના કોઈપણ રાજ્ય કે જિલ્લાના રેશનકાર્ડધારકો રાજકોટ જિલ્લામાંથી પણ પોતાનું નિયત અનાજ મેળવી શકે છે. રાજકોટ જિલ્લામાં ગત માસ દરમિયાન અન્ય જિલ્લાના ૧૫,૩૭૪ અને અન્ય રાજ્યોના ૨,૫૭૬ લાભાર્થીઓએ આ સુવિધાનો લાભ લીધો હતો. આમ, સ્થળાંતરિત પરિવારો માટે પણ અન્ન સુરક્ષાની સાતત્યતા જળવાઈ રહે છે. સમાજના છેવાડાના વર્ગ સુધી યોજનાનો લાભ અન્ન સુરક્ષાની આ વ્યવસ્થામાં સમાજના એવા વર્ગોને પણ પ્રાથમિકતા આપવામાં આવી છે, જેમને આર્થિક અને સામાજિક પરિસ્થિતિઓને કારણે જીવનનિર્વાહમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કુટુંબના પુખ્ત વયના કમાતા સભ્યો અશક્ત હોય અથવા ગંભીર બીમારીથી પીડાતા હોય તેવા પરિવારો, ગંગાસ્વરૂપા બહેનો, વૃદ્ધ પેન્શન મેળવતા લાભાર્થીઓ, ફેરિયાઓ, ઘરવિહોણા પરિવારો તેમજ રૂ. ૨૦ હજારથી ઓછી આવક ધરાવતા પરિવારોને પાત્રતાના નિયમો અનુસાર અગ્રતા ધરાવતા કુટુંબની કેટેગરીમાં યોજનાનો લાભ મળી શકે છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના લાખો પરિવારોની જીવનજરૂરિયાતોને આધાર પૂરો પાડવાની સાથે સામાજિક સુરક્ષા અને સર્વસમાવેશક વિકાસની ભાવનાને પણ વધુ મજબૂત બનાવી રહી છે.