તા.૨૭/૧૧/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર હેમુ ગઢવી નાટ્યગૃહ ખાતે ૫ અને ૬ ડિસેમ્બરે ૧૧ એકાંકી નાટકોની રજૂઆત થશે નાટ્યકલાના રસિકો માટે ખુશખબર, રાજકોટમાં નિઃશુલ્ક માણી શકાશે ૧૧ એકાંકી નાટકો Rajkot: ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના સહયોગથી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રાજકોટ દ્વારા રાજ્યની નાટ્યકલાને પ્રોત્સાહન આપવા તેમજ યુવા કલાકારોને પોતાની અભિનય પ્રતિભા રજૂ કરવા માટે મંચ પૂરું પાડવાના હેતુથી રાજકોટ ખાતે બે દિવસીય 'એકાંકી નાટ્ય સ્પર્ધા : ૨૦૨૬-૨૭'નું આયોજન કરવામાં આવ્યું આ સ્પર્ધા અંતર્ગત તા. ૫ ડિસેમ્બર, ૨૦૨૬ના રોજ શનિવારે કુલ પાંચ એકાંકી નાટકો રજૂ કરવામાં આવશે, જ્યારે તા. ૬ ડિસેમ્બર, ૨૦૨૬ના રોજ રવિવારે વધુ છ નાટકોની રજૂઆત થશે. આમ, બે દિવસ દરમિયાન ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ભાગ લેનારા સ્પર્ધકો દ્વારા કુલ ૧૧ એકાંકી નાટકો રજૂ કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન બંને દિવસ સાંજે ૫:૦૦થી રાત્રે ૧૧:૦૦ વાગ્યા સુધી હેમુ ગઢવી નાટ્યગૃહ, ટાગોર માર્ગ, રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ભાગ લેનારા કલાકારોને પ્રોત્સાહન મળે અને નાટ્યકલાના રસિકોને વિવિધ વિષયો આધારિત એકાંકી નાટકો માણવાની તક મળે તે આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ છે. રાજકોટની કલાપ્રેમી જનતાને આ બે દિવસીય નાટ્ય મહોત્સવમાં ઉપસ્થિત રહી કલાકારોનો ઉત્સાહ વધારવા આયોજકો દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કાર્યક્રમમાં પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. પ્રવેશ પાસ મેળવવા માટે ગૌતમભાઈ દવે (મો. ૮૮૬૬૫૦૪૮૫૮) તથા દિનેશભાઈ બાલસરા (મો. ૯૦૬૭૫૧૯૭૭૬)નો સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.