
શેરબજારમાં વધુ કમાણીની લાલચ આપી રૂ.51.97 લાખની ઠગાઈનું કૌભાંડ ઝડપાયું.

ઈડરમાં પાંચ આરોપી ઝડપાયા : 21 મોબાઇલ, રૂ.32.40 લાખ રોકડ સહિત કાર-દાગીના મળી રૂ.51.97 લાખનો મુદ્દામાલ જપ્ત.
ઈડરના નેત્રામલી ગામની સીમમાં શેરબજારમાં વધુ નાણાં કમાવી આપવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરતી ટોળકીનો ઈડર પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે પાંચ આરોપીઓને ઝડપી લઈ તેમની પાસેથી કુલ રૂ.51,97,560નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આરોપીઓ કોઈપણ પ્રકારના સ્ટોક એક્સચેન્જ લાયસન્સ વિના શેરબજારના નામે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હતા. આરોપી તુષાર વાઘેલા પોતાના મોબાઇલમાં કનુભાઈ વાઘેલાના નામે Angel One તથા Market Plus એપ્લિકેશન રાખી શેરબજારના ભાવની વધઘટ જોતા હતા. ત્યારબાદ ગૂગલ પરથી ઓનલાઇન માર્કેટ કસ્ટમરના મોબાઇલ નંબરો મેળવી વોટ્સએપ અથવા વાઈ-ફાઈ કોલિંગ મારફતે ગ્રાહકોનો સંપર્ક કરતા હતા.
ગ્રાહકોને ખોટી ઓળખ આપી વિશ્વાસમાં લીધા બાદ શેરબજારમાં વધુ નાણાં કમાવી આપવાની લાલચ આપવામાં આવતી હતી. ત્યારબાદ શેરની લે-વેચ કરાવી આર્થિક લાભ મેળવવામાં આવતો અને ગ્રાહકો પાસેથી છેતરપિંડીથી નાણાં મેળવવામાં આવતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. આંગડિયા પેઢી મારફતે નાણાંની હેરફેર કરવામાં આવતી હોવાની પણ વિગતો સામે આવી છે.
ઇડર પોલીસે કાર્યવાહી દરમિયાન 21 મોબાઇલ ફોન, વાઈ-ફાઈ રાઉટર તથા ટાવર, શેરબજારમાં રોકાણ કરતા ગ્રાહકોના મોબાઇલ નંબરો દર્શાવતા 265 કાગળો, રૂ.32.40 લાખ રોકડ, રૂ.5.55 લાખના સોના-ચાંદીના દાગીના, સ્કોર્પિયો કાર અને જેલેનો કાર સહિત કુલ રૂ.51,97,560નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ઈડર પોલીસે BNSની કલમ 319(2), 318(4), 61(2), 316(2) તથા IT એક્ટની કલમ 66(C), 66(D) મુજબ ગુનો નોંધાયો છે. સમગ્ર મામલે પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. ચૌધરીની દેખરેખ હેઠળ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
બોક્સ આઈટમ..
પકડાયેલ આરોપીઓ..
1
કનુભાઈ ચેલાભાઈ વાઘેલા, ઉ.વ.45 સુંદરપુર, તા.વિજાપુર, જી.મહેસાણા
2
તુષારભાઈ કનુભાઈ વાઘેલા, ઉ.વ.23 સુંદરપુર, તા.વિજાપુર, જી.મહેસાણા
3
કિશન બાબુભાઈ વાઘેલા, ઉ.વ.31 નાનીવાડા, તા.ખેરાલુ, જી.મહેસાણા
4
હસમુખજી પોપટજી ઠાકોર, ઉ.વ.25 ગલાલપુર, તા.સતલાસણા, જી.મહેસાણા
5
અજીતજી ચંદુજી ઠાકોર, ઉ.વ.22 કુડા, તા.ખેરાલુ, જી.મહેસાણા
જયંતિ પરમાર સાબરકાંઠા









