તા.11/09/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લા એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર વાય. પી. પટેલની સૂચના મુજબ ટીમ મૂળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે જ સમયે એક સચોટ અને ખાતરીપૂર્વકની ખાનગી બાતમી મળી હતી કે, મૂળીનો રહેવાસી દેવરાજભાઈ નથુભાઈ ખાંભલા દેવપરા ગામે બસ સ્ટેન્ડ પાછળ આવેલા એક મકાનમાં કોઈ પણ જાતની માન્ય મેડિકલ ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે એલોપેથી સારવાર આપી રહ્યો છે અને લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરી રહ્યો છે. બાતમી મળતા જ એસઓજી શાખાના પીઆઈ, પીએસઆઇ, હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ પરમાર, વિજયસિંહ રથવી, અનિરુધ્ધસિંહ, મીતભાઈ મુંજપરા સહિત સમગ્ર ટીમ દ્વારા વિલંબ કર્યા વગર વગડિયા PHCના મેડિકલ ઓફિસર ડૉ. અંકિતાબા યુ. ચિત્રાને સાથે રાખી દેવપરા ગામે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન માત્ર ૨૦ વર્ષનો આ બોગસ ડૉક્ટર પોતે મેડિકલ પ્રેક્ટિશનર હોવાનો પોકળ દાવો કરતો રંગેહાથ ઝડપાઈ ગયો હતો. પોલીસ અને મેડિકલ ટીમે મકાનની તપાસ કરતા ત્યાંથી અલગ- અલગ કંપનીઓની એલોપેથી દવાઓ તેમજ તબીબી સાધનો મળી આવ્યા હતા. SOGએ સ્થળ પરથી રૂપિયા ૧૫,૦૨૨ ની કિંમતનો એલોપેથી દવાનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીની અટકાયત કરી છે. કોઈપણ અધિકૃત સર્ટિફિકેટ કે ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે પ્રેક્ટિસ કરીને લોકોના જીવ જોખમમાં મૂકનાર આરોપી દેવરાજ ખાંભલા વિરુદ્ધ મૂળી પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ-૩૦ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે અને આગળની કાયદેસરની તપામ હાથ ધરવામાં આવી છે. સુરેન્દ્રનગર SOGની આ સફળ કામગીરીથી ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે હાટડીઓ ખોલીને બેઠેલા બોગસ ડૉક્ટરોમાં ભારે ફાળ પડી છે.








