છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીકથી પસાર થતી નર્મદા કેનાલના કિનારે દવાની અસંખ્ય ખાલી બોટલો સહિતનો શંકાસ્પદ મેડિકલ કચરો ખુલ્લામાં ફેંકી દેવામાં આવતાં ચકચાર મચી છે. કેનાલની પાળી પર મોટી સંખ્યામાં દવાની બોટલોનો ખડકલો જોવા મળ્યો છે. સૌથી ગંભીર બાબત એ છે કે આ કચરો કેનાલના વહેતા પાણીથી માત્ર 10 ફૂટ જેટલા અંતરે જ ઠાલવી દેવામાં આવ્યો છે. નર્મદા કેનાલના પાણીનો ઉપયોગ પીવાના પાણી સહિત વિવિધ હેતુઓ માટે થતો હોવાથી જો આ કચરો વરસાદ, પવન કે અન્ય કોઈ કારણોસર પાણીમાં ભળે તો પાણી દૂષિત થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે પર્યાવરણ અને જાહેર આરોગ્ય સામે જોખમ ઊભું થઈ શકે છે. આટલી મોટી માત્રામાં દવાની બોટલો અને શંકાસ્પદ મેડિકલ વેસ્ટ અહીં કોણે ઠાલવ્યો તે અંગે અનેક સવાલો ઊભા થયા છે. ત્યારે આરોગ્ય વિભાગ, સ્થાનિક વહીવટી તંત્ર તાત્કાલિક સ્થળ તપાસ કરી આ કચરો મેડિકલ વેસ્ટ છે કે કેમ, તે ક્યાંથી લાવવામાં આવ્યો છે અને તેની પાછળ કોણ જવાબદાર છે તે અંગે નિષ્પક્ષ તપાસ કરે તેવી સ્થાનિકો દ્વારા માંગ ઉઠી છે. હવે જોવાનું એ રહેશે કે કેનાલના પાણીની સુરક્ષા અને જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને તંત્ર ક્યારે જાગશે અને જવાબદારો સામે ક્યારે કાર્યવાહી કરશે. રિપોર્ટર તોસીફ ખત્રી