WAKANER:બંને હાથ ગુમાવ્યા છતાં હિંમત ન હારી: વાંકાનેરના હસમુખભાઈ રોજ 17 કિમી સાયકલ ચલાવી કુરિયર વહેંચી વૃદ્ધ પિતાનો સહારો બન્યા


વાંકાનેર:આજના સમયમાં જ્યારે યુવા પેઢી સરળતાથી હાર માની લે છે અને ઝડપથી કમાઈ લેવા માટે શોર્ટકટ શોધે છે, ત્યારે વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામના 49 વર્ષીય હસમુખભાઈ નરસિંહભાઈ પરમારનું જીવન આત્મનિર્ભરતા અને અતૂટ ખુમારીનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડે છે. બંને હાથથી શારીરિક વિકલાંગતા ધરાવતા હોવા છતાં તેઓ કોઈના પર બોજ બન્યા વગર છેલ્લા 18 વર્ષથી મહેનતની કમાણી કરી રહ્યા છે.
15 વર્ષ પેપર વહેંચ્યા, હવે કુરિયર ડિલિવરી કરે છે
17 જુલાઈ 1977ના રોજ જન્મેલા હસમુખભાઈએ શારીરિક મર્યાદાને ક્યારેય પોતાની લાચારી બનવા દીધી નથી. તેમણે જીવનના શરૂઆતના 15 વર્ષ સવાર-સાંજ અખબાર વિતરણનું કામ કરીને વિતાવ્યા હતા. છેલ્લા ત્રણ વર્ષથી તેઓ વાંકાનેરમાં માર્ક અને મહાવીર કુરિયર સર્વિસ સાથે જોડાયા છે. તેઓ રોજ પોતાના ગામ રાતીદેવડીથી સાયકલ લઈને વાંકાનેર આવે છે અને દિવસભર શહેરમાં પાર્સલ ડિલિવરી માટે 15થી 17 કિલોમીટર સુધી સાયકલ ચલાવે છે. બંને હાથ સાથ ન આપતા હોવા છતાં અડગ મનોબળથી સાયકલ ચલાવી તેઓ સમયસર લોકો સુધી પાર્સલ પહોંચાડે છે.
રસોઈ બનાવવાથી લઈને વૃદ્ધ પિતાની સેવા સુધીની એકલા હાથે જવાબદારી

માતાના અવસાન બાદ પરિવારમાં માત્ર હસમુખભાઈ અને તેમના વૃદ્ધ પિતા જ છે. અપરિણીત હસમુખભાઈ બહારનું કામ કરવાની સાથે-સાથે ઘરની તમામ જવાબદારીઓ પણ એકલા હાથે ઉપાડે છે. સવારે કામે નીકળતાં પહેલાં તેઓ પિતા અને પોતાના માટે રસોઈ બનાવે છે અને સાંજે થાકીને ઘરે પરત ફર્યા બાદ રાત્રિભોજન પણ જાતે જ તૈયાર કરે છે.
સરકારી સહાય અને મહેનતથી સ્વાભિમાની જીવન
હસમુખભાઈને સરકાર તરફથી દર મહિને મળતી ₹1,000ની દિવ્યાંગ પેન્શન સહાય અને તેમના પિતાને મળતી ₹1,000ની વૃદ્ધ પેન્શન સહાય તેમજ કુરિયરની આવકમાંથી ઘરનું ગુજરાન ચાલે છે. મર્યાદિત આવક હોવા છતાં તેઓ કોઈની સામે હાથ લંબાવ્યા વિના ખુમારીપૂર્વક સ્વાભિમાની જીવન જીવી રહ્યા છે.
પરિસ્થિતિઓ સામે ફરિયાદ કર્યા વિના સંઘર્ષનો રસ્તો પસંદ કરનારા હસમુખભાઈ પરમારનું આ જીવન નાની-નાની મુશ્કેલીઓમાં હિંમત હારી જતાં લોકો માટે એક જીવંત પ્રેરણાસ્ત્રોત છે.









