*HPV રસીકરણ વિશેષ*

*પાટણ જિલ્લામાં HPV રસીકરણ અભિયાનને વેગ*
*14 વર્ષ પૂર્ણ અને 15મું વર્ષ ચાલુ હોય તેવી પાત્ર દીકરીઓને HPV રસી અપાશે*
*જિલ્લામાં આશરે 3,800 પાત્ર દીકરીઓને આવરી લેવાનું આયોજન – માતા-પિતાને રસીકરણ માટે આરોગ્ય વિભાગની અપીલ*
*આરોગ્ય વિભાગનો સંદેશ: પાત્ર દીકરીઓને HPV રસી અપાવો, સર્વાઇકલ કેન્સર સામે ભવિષ્યના રક્ષણ માટે આજે જાગૃત બનો*
માહિતી બ્યુરો, પાટણ
તા.૧૮/૦૯/૨૦૨૬
સમાચાર સંખ્યા: ૬૦૩/૪૩
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે રાજ્યમાં ચાલી રહેલા સેવા અને જનજાગૃતિ અભિયાન અંતર્ગત પાટણ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા HPV રસીકરણ અભિયાનને વેગ આપવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત પાત્ર દીકરીઓને ગર્ભાશયના મુખનું કેન્સર એટલે કે સર્વાઇકલ કેન્સર સામે ભવિષ્યમાં રક્ષણ મેળવવામાં મદદરૂપ HPV રસી સંપૂર્ણપણે નિઃશુલ્ક આપવામાં આવી રહી છે.

અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. દિવ્યેશ પટેલે જણાવ્યું હતું કે, HPV રસી અગાઉ વિવિધ સમાજના આગેવાનો કે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા પોતાની દીકરીઓને આપવામાં આવતી હતી. હવે કેન્દ્ર સરકારની પહેલથી આ રસીકરણને વ્યાપક સ્તરે આગળ ધપાવવામાં આવી રહ્યું છે. ચાલુ વર્ષના માર્ચ મહિનાથી આ અંગે કામગીરી શરૂ કરવામાં આવી હતી અને હાલ ફરીથી જુલાઈથી 31 ડિસેમ્બર, 2026 સુધી વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
આ અભિયાન હેઠળ એવી દીકરીઓને HPV રસી આપવામાં આવી રહી છે, જેમણે 14 વર્ષની ઉંમર પૂર્ણ કરી હોય અને 15 વર્ષની ઉંમર પૂર્ણ થવાની બાકી હોય, એટલે કે 15મું વર્ષ ચાલુ હોય. અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના જણાવ્યા મુજબ, પાટણ જિલ્લામાં આશરે 3,800 પાત્ર દીકરીઓને આ અભિયાન હેઠળ આવરી લેવાનું આયોજન છે. આજના વિશેષ અભિયાન દરમિયાન પણ મોટી સંખ્યામાં દીકરીઓને રસીકરણ હેઠળ આવરી લેવાનો આરોગ્ય વિભાગનો પ્રયાસ છે.
HPV રસી ભવિષ્યમાં સર્વાઇકલ કેન્સરનું જોખમ ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. આ રસીનો લાભ તાત્કાલિક દેખાતો નથી, પરંતુ આજે રસી મેળવનારી દીકરીઓ જ્યારે ભવિષ્યમાં પુખ્ત વયે પહોંચશે ત્યારે સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ મેળવવામાં આ રસી ઉપયોગી બની શકે છે. આથી રસીકરણ દ્વારા વ્યક્તિના આરોગ્યની સાથે તેના પરિવાર અને સમાજ પર થતો આરોગ્યલક્ષી તથા આર્થિક બોજ પણ ભવિષ્યમાં ઘટાડવામાં મદદ મળી શકે છે.
પાત્ર દીકરીઓને HPV રસી દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે સંપૂર્ણ નિઃશુલ્ક આપવામાં આવી રહી છે. રસીકરણ બાદ તેની નોંધ આરોગ્ય વિભાગના TECHO પોર્ટલ પર કરવામાં આવે છે. શાળામાં અભ્યાસ કરતી દીકરીઓ સુધી પણ રસીકરણની સુવિધા પહોંચે તે માટે જરૂરિયાત મુજબ આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા શાળાઓ સાથે સંકલન કરવામાં આવે છે. જરૂરી જણાય ત્યારે RBSK અથવા PHCના વાહન દ્વારા પણ સહાય ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ માતા-પિતા અને સમાજના આગેવાનોને અપીલ કરી હતી કે HPV રસી અંગે કોઈપણ પ્રકારની ગેરસમજ કે ભય રાખ્યા વિના આરોગ્ય વિભાગના તબીબો અને કર્મચારીઓ પાસેથી યોગ્ય માહિતી મેળવવી અને પાત્ર દીકરીઓના રસીકરણ માટે સહયોગ આપવો. દીકરીઓમાં રસીકરણ અંગે જાગૃતિ વધે અને માતા-પિતાની સંમતિ સાથે વધુમાં વધુ પાત્ર દીકરીઓને આ અભિયાનનો લાભ મળે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, HPV રસીકરણ અંગે સાચી અને વિશ્વસનીય માહિતી લોકો સુધી પહોંચાડવામાં મીડિયા, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક આગેવાનો તેમજ વિવિધ ક્ષેત્રે લોકોમાં પ્રભાવ ધરાવતા વ્યક્તિઓની ભૂમિકા મહત્વપૂર્ણ છે. પાટણ જિલ્લાના વધુમાં વધુ પાત્ર પરિવારો સુધી આ સંદેશ પહોંચે અને 31 ડિસેમ્બર, 2026 સુધીમાં પાત્ર દીકરીઓને HPV રસીકરણનો લાભ મળે તે માટે સૌને સહભાગી થવા અનુરોધ કરવામાં આવ્યો છે.









