તા.૭/૧૧/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
સરસ મેળામાં સ્વસહાય જૂથોની બહેનોએ સર્જ્યો વેચાણનો નવો વિક્રમ; શ્રેષ્ઠ વેચાણ અને આકર્ષક પ્રોડક્ટ ડિસ્પ્લે ધરાવતા સ્ટોલધારકોનું પુરસ્કાર આપી સન્માન
આલેખન – રાજકુમાર
Rajkot: મહિલા સશક્તિકરણ, સ્વરોજગાર અને આર્થિક આત્મનિર્ભરતાના સંકલ્પને સાકાર કરવાની સાથે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને જીવંત કરતો રાષ્ટ્રીય કક્ષાનો સરસ મેળો રાજકોટના રેસકોર્સ ખાતે તા. ૨૫ ઓક્ટોબરથી ૫ નવેમ્બર દરમિયાન યોજાયો હતો.

ગુજરાત લાઇવલીહૂડ મિશન અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આયોજિત મેળાનું ભવ્ય સમાપન જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સંજયભાઈ પીપળીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ મેળામાં દેશભરના સ્વસહાય જૂથો (SHGs) દ્વારા ઉત્પાદિત વિવિધ ચીજવસ્તુઓના વેચાણ થકી રૂ. ૫.૧૨ કરોડનું વિક્રમી વેચાણ નોંધાયું હતું. આ અભૂતપૂર્વ પ્રતિસાદથી ૧૬૪ પરિવારો માટે આર્થિક સમૃદ્ધિની નવી આશા જાગી હતી અને તેમની દિવાળી વધુ ખુશહાલ બની હતી.
સરસ મેળો બન્યો બહેનોની આવડત અને આત્મનિર્ભરતાનું મજબૂત પ્લેટફોર્મ
દિવાળીના પર્વને અનુલક્ષીને સખી મંડળોની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલી આકર્ષક હસ્તકલા, હેન્ડીક્રાફ્ટ, પરંપરાગત કળા અને વિવિધ ઘરવપરાશની ચીજવસ્તુઓને રાજકોટની જનતાએ ઉત્સાહભેર આવકારી હતી. બહેનોના કૌશલ્ય અને સર્જનાત્મકતાને ગ્રાહકોનો બહોળો પ્રતિસાદ મળતાં મેળામાં રૂ. ૫.૧૨ કરોડનું વેચાણ થયું હતું. આ વેચાણથી સ્વસહાય જૂથોની બહેનોને આર્થિક લાભની સાથે પોતાના ઉત્પાદનોની ગુણવત્તા અને બજારક્ષમતાને વધુ વિકસાવવાની તક પણ મળી હતી.
ડિજિટલ બજાર સાથે જોડાણ : રાજકોટનાં ૪૩ સ્વસહાય જૂથોનું ONDC પર રજિસ્ટ્રેશન
મેળા દરમિયાન ગુજરાતભરના સ્વસહાય જૂથોને ઓનલાઇન માર્કેટિંગ પ્લેટફોર્મ સાથે જોડવાના હેતુથી ઓનબોર્ડિંગ અને રજિસ્ટ્રેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અંતર્ગત રાજકોટ જિલ્લાના ૪૩ સ્વસહાય જૂથોનું ONDC પ્લેટફોર્મ પર સફળતાપૂર્વક રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આ પહેલથી બહેનોનાં ઉત્પાદનોને ડિજિટલ માધ્યમ દ્વારા વિશાળ બજાર સુધી પહોંચાડવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે.
તાલીમ, આરોગ્ય અને ગુણવત્તા સંવર્ધન પર વિશેષ ભાર
મેળામાં ભાગ લેનાર મહિલાઓ માટે આરોગ્ય તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ બહેનોને ઉત્પાદનોનું વેચાણ, માર્કેટિંગ, આકર્ષક પ્રોડક્ટ ડિસ્પ્લે અને ગ્રાહકો સાથે અસરકારક સંવાદ સાધવા અંગે માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવી હતી. ઉત્પાદનોની ગુણવત્તા તથા બજારમૂલ્યમાં વધારો કરીને વધુ સારો ભાવ પ્રાપ્ત કરી શકાય તે હેતુથી વિવિધ ઉત્પાદનોમાં વેલ્યુ એડિશન અંગે પણ વિશેષ તાલીમ આપવામાં આવી હતી. વધુમાં, મેળાના ૧૦ ફૂડ કોર્ટ પૈકી ૪ ફૂડ કોર્ટ માટે FSSAI લાઇસન્સ મેળવવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.
શ્રેષ્ઠ કામગીરી કરનાર સ્ટોલધારકોનું સન્માન
મેળામાં શ્રેષ્ઠ વેચાણ કરનાર પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના સ્ટોલધારકો તેમજ શ્રેષ્ઠ પ્રોડક્ટ ડિસ્પ્લે રજૂ કરનાર પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના સ્ટોલધારકોને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સંજયભાઈ પીપળીયાના હસ્તે પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સમાપન પ્રસંગે જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેનશ્રી, રાજકોટ તાલુકાના પદાધિકારીઓ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA)ના નિયામકશ્રી તથા NRLM ટીમના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.










