MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા રખડતાં ઢોર મુક્ત અભિયાન વેગવંતું: અત્યાર સુધીમાં ૩,૭૬૫ પશુઓ પકડાય
મોરબી મહાનગરપાલિકાની ANCD (એન્ટિ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ) શાખા દ્વારા શહેરમાંથી રખડતાં પશુઓ અને જાહેર માર્ગો પર થતી અડચણો દૂર કરવા માટે સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મહાપાલિકા બન્યા પછીથી લઈને આજદિન સુધીમાં જાહેર માર્ગો પર અડચણરૂપ બનતા કુલ ૩,૭૬૫ રખડતાં પશુઓને પકડવામાં આવ્યા છે. જ્યારે માત્ર છેલ્લા એક અઠવાડિયા દરમિયાન જ ૧૫ પશુઓની ધરપકડ કરીને માર્ગો ખુલ્લા કરવામાં આવ્યા છે.

પકડાયેલા તમામ પશુઓને મોરબી જિલ્લાની આજુબાજુ આવેલી વિવિધ ગૌશાળા, નંદીઘર તથા પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત, મહાનગરપાલિકા સંચાલિત નંદીઘરમાંથી પણ ૬૦૦થી વધુ પશુઓને અન્ય ગૌશાળાઓ અને પાંજરાપોળમાં સુરક્ષિત રીતે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.
પશુપાલન અને પેટડોગ રજિસ્ટ્રેશન કામગીરીની વિગતો:પશુ લાયસન્સ: ૩૦૬ પશુ માલિકોને નવા લાયસન્સ ઈશ્યુ કરાયા છે, જ્યારે ૧૮ માલિકોના લાયસન્સ રિન્યૂ કરી આપવામાં આવ્યા છે.ઘાસ વેચાણ પરમિટ: ૩૩ વ્યક્તિઓને ઘાસ વેચાણ માટેની નવી પરમિટ આપવામાં આવી છે અને ૨ પરમિટ રિન્યૂ કરાઈ છે.પેટડોગ રજિસ્ટ્રેશન: ૪૯ નાગરિકોના પેટડોગનું નવું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે તથા ૬ ડોગ લાયસન્સ પરમિટ રિન્યૂ કરવામાં આવી છે.RFID અને ટેગિંગ: અત્યાર સુધીમાં કુલ ૨,૯૨૦ પશુઓને RFID અને ટેગિંગથી સજ્જ કરવામાં આવ્યા છે.ANCD શાખા દ્વારા પશુપાલકોને પોતાના પશુઓનું તુરંત રજિસ્ટ્રેશન કરાવવા અને પેટડોગ ધરાવતા નાગરિકોને પણ અનિવાર્યપણે રજિસ્ટ્રેશન કરાવી લેવા અપીલ કરવામાં આવી છે. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં પણ RFID ટેગિંગ અને રખડતાં પશુઓને પકડવાની ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે.









