વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૦૭ નવેમ્બર : કેરા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) દ્વારા સુમીટોમો કેમિકલ ઈન્ડિયા લિમિટેડના સહયોગથી ટીબીની સારવાર લઈ રહેલા દર્દીઓને પોષણયુક્ત આહાર મળી રહે તેવા ઉમદા હેતુથી 50 પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.CDHO ડો. મિતેશ ભંડેરી, DTO ડો. મનોજ દવે તથા THO ડો. રવિકુમારના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી.આ પ્રસંગે TMPHS રાજુભાઈ ગોર દ્વારા ટીબી રોગનાં લક્ષણો, ફેલાવાની રીત, નિયમિત દવા લેવા, સારવારનો સંપૂર્ણ કોર્સ પૂર્ણ કરવા તેમજ પોષણયુક્ત આહારના મહત્વ અંગે દર્દીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલુકા પંચાયત સભ્ય પ્રવીણભાઈ આહિરે પણ પ્રાસંગિક ઉદબોધન કરી ટીબી મુક્ત ભારતના અભિયાનમાં સૌને સહભાગી થવા અપીલ કરી હતી.કાર્યક્રમ દરમિયાન સુમીટોમો કેમિકલ ઈન્ડિયા લિમિટેડ દ્વારા ટીબીની સારવાર લઈ રહેલા દર્દીઓ માટે કુલ 50 પોષણ કીટ અર્પણ કરવામાં આવી હતી, જેનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દર્દીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલથી સારવાર દરમિયાન દર્દીઓને પોષણયુક્ત આહાર મળી રહે તે દિશામાં મહત્વપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો છે.આ કાર્યક્રમમાં સુમીટોમો કેમિકલ ઈન્ડિયા લિમિટેડના GM નિખિલભાઈ જોશી, તાલુકા પંચાયત સભ્ય પ્રવીણભાઈ આહિર, ઉપસરપંચ ગીરુભા જાડેજા, મેડિકલ ઓફિસર ડો. ધવલ,આયુષ મેડિકલ ઓફિસર ડો. યશમિતાબા, કંપની પ્રતિનિધિ મહેન્દ્રભાઈ, TMPHS રાજુભાઈ ગોર, FHS કુંજલબેન વ્યાસ, આરોગ્ય વિભાગનો સ્ટાફ, આશા બહેનો તથા ટીબીના દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ સેવાકીય અને માનવતાવાદી પહેલ બદલ PHC કેરા પરિવાર દ્વારા સુમીટોમો કેમિકલ ઈન્ડિયા લિમિટેડના GM નિખિલભાઈ જોશી તથા સમગ્ર કંપની પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.ટીબી મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે દર્દીઓની સમયસર સારવાર, પોષણક્ષમ આહાર અને સમાજના દરેક વર્ગનો સહયોગ અત્યંત આવશ્યક છે.








