MORBI:મોરબીમાં WBBL ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા બે ઝડપાયા

મોરબી ટાઉન વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને મહિલા બિગ બૅશ લીગ (WBBL-2026) ક્રિકેટ મેચ પર ઓનલાઈન રન અને હારજીતનો જુગાર રમી રહેલા ઈસમો સામે લાલ આંખ કરી છે. આ કાર્યવાહીમાં પોલીસે બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક શખ્સની શોધખોળ હાથ ધરી છે.

ઘનશ્યામ માર્કેટ પાસેથી ઝડપાયો મુખ્ય આરોપી
મળતી માહિતી મુજબ, મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ઘનશ્યામ માર્કેટ પાસે આવેલી ભવાની સોડાવાળી શેરીમાં રેડ કરવામાં આવી હતી. આ દરમિયાન યુનુસભાઈ કાસમભાઈ દલવાણી નામના શખ્સને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો.
તપાસમાં બહાર આવ્યું હતું કે, આરોપી પોતાના મોબાઈલ ફોનમાં ‘CREX’ એપ્લિકેશન દ્વારા WBBL-2026 અંતર્ગત SYS અને MLS વચ્ચે ચાલી રહેલી મહિલા ક્રિકેટ મેચ પર લાઈવ સ્કોર જોઈને રન તેમજ હારજીતનો જુગાર રમી અને રમાડી રહ્યો હતો.
પકડાયેલા આરોપીની વધુ પૂછપરછ દરમિયાન આ કાળા કારોબારમાં સંડોવાયેલા અન્ય એક શખ્સ ઇમ્તિયાઝ ઉર્ફે બાલો અબ્દુલભાઈ ચાનીયાનું નામ પણ સામે આવ્યું હતું, જેને પોલીસે ઝડપી લીધો હતો. આ ઉપરાંત, આ સમગ્ર રેકેટમાં ફિરોઝ માજોઠી (રહે. મોરબી)નું નામ પણ ખુલવા પામ્યું છે, જે હાલ પોલીસ પકડથી દૂર છે. પોલીસે તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.પોલીસે પકડાયેલા આરોપીઓની અંગજડતી અને સ્થળ પરથી મોબાઈલ ફોન, ક્રિકેટના આંકડા લખેલી ચિઠ્ઠી તથા રોકડ રકમ સહિત કુલ રૂ. ૩૫,૮૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.આ મામલે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા જુગારધારા કલમ-૧૨(એ) મુજબ ગુનો નોંધીને કાયદેસરની અટકાયત અને આગળની તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.













