અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
ઐતિહાસિક ધરોહર : શામપુરનું અનોખું ‘મેરાયું’ – 1000 ફૂટથી વધુ ઊંચા કુઢેરા ડુંગર પર સદીઓ જૂની દિવાળીની પરંપરા યથાવત
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના શામપુર ગામે દિવાળીના પર્વની ઉજવણી એક આગવી અને અનોખી પરંપરા સાથે કરવામાં આવે છે.અહીં દિવાળીની રાત્રિએ પ્રગટાવવામાં આવતું ‘મેરાયું’ માત્ર ધાર્મિક આસ્થાનું પ્રતીક જ નહીં, પરંતુ પેઢી દર પેઢી સચવાયેલી ઐતિહાસિક ધરોહર અને લોકસંસ્કૃતિનું જીવંત ઉદાહરણ છે.ઉત્તર ગુજરાતમાં દિવાળીની રાત્રિએ ગુંજતી લોકપરંપરાની પંક્તિઓ ‘આજ દિવાળી… કાલ દિવાળી… મેરાયું…’ શામપુરની દિવાળી સાથે વિશેષ રીતે જોડાયેલી છે. માટીના કોડિયામાં જ્યોત પ્રગટાવી ગામના નાના-મોટા સૌ લોકો આનંદ અને ઉત્સાહ સાથે ગામની ગોંદરે કોડિયાં વળાવવાની પરંપરા નિભાવે છે.આ પરંપરા બાદ શામપુર ગામ નજીક આવેલા આશરે 1000 ફૂટથી વધુ ઊંચા કુઢેરા ડુંગરની ટોચ પર મેરાયું પ્રગટાવવામાં આવે છે.

પ્રાચીન સમયમાં ચૂના અને પથ્થરથી બનાવવામાં આવેલું આ મેરાયું આશરે 14 ફૂટ ઊંચું અને સાત ફૂટના ઘેરાવાવાળું છે. નેશનલ હાઇવે અને મોડાસા-હિંમતનગર સ્ટેટ હાઇવે પરથી પસાર થતા વાહનચાલકોને પણ ડુંગરની ટોચ પર સફેદ રંગે રંગાયેલું આ મેરાયું દૂરથી નજરે પડે છે.12 થી વધુ ગામોના સહયોગથી પ્રગટે છે મેરાયું
દિવાળીના આગલા દિવસોમાં શામપુર સહિત આસપાસનાં 12 થી વધુ ગામોમાંથી ઘી એકત્ર કરવામાં આવે છે. ત્યારબાદ પાઘના આખા કપડામાંથી વિશાળ દિવેટ તૈયાર કરવામાં આવે છે. ડુંગરની ટોચ પર આવેલા મેરાયામાં બનાવેલી આશરે દોઢ ફૂટની તાંબાની કુંડીમાં ઘી હોમી તેમાં દિવેટ મૂકવામાં આવે છે. મધ્યરાત્રિએ ગ્રામજનો એકત્રિત થઈ ‘દિવાળી માતાની જય’ના નાદ અને મંત્રોચ્ચાર સાથે મેરાયાની જ્યોત પ્રગટાવી દિવાળીની ઉજવણી કરે છે.

મેરાયાની જ્યોત પરથી કરવામાં આવે છે વરતારો
લોકમાન્યતા મુજબ મેરાયાની જ્યોત પ્રગટ્યા બાદ તે કઈ દિશામાં ઝૂકે છે તેનું અવલોકન કરીને આગામી વર્ષનો વરતારો કરવામાં આવે છે. આ પરંપરા સાથે ગ્રામજનોની ધાર્મિક આસ્થા અને વર્ષોના અનુભવ જોડાયેલા છે. કહેવાય છે કે મેરાયાની જ્યોત દિવાળી બાદ પણ 10 થી 15 દિવસ સુધી પ્રજ્વલિત રહે છે.દિવાળીના દિવસોમાં મેરાયાનાં દર્શન કરવા આસપાસનાં ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. અંધારી રાત્રિમાં કુઢેરા ડુંગરની ટોચ પર પ્રજ્વલિત થતી મેરાયાની જ્યોતનું દૃશ્ય સૌ માટે આકર્ષણ અને આસ્થાનું કેન્દ્ર બને છે.
કુઢેરા મહાદેવ મંદિર પણ આસ્થાનું કેન્દ્ર
શામપુર ગામના કુઢેરા ડુંગરની તળેટીમાં પ્રાચીન કુઢેરા મહાદેવનું મંદિર આવેલું છે. મંદિરની શિવમૂર્તિ સ્વયંભૂ હોવાનું માનવામાં આવે છે. આમ, શામપુરનું મેરાયું અને કુઢેરા મહાદેવ મંદિર ધાર્મિક આસ્થા, ઐતિહાસિક વારસો અને પરંપરાગત સંસ્કૃતિનો અનોખો સંગમ છે.આજના આધુનિક યુગમાં પણ શામપુરના ગ્રામજનો દ્વારા જાળવી રાખવામાં આવેલી આ પરંપરા નવી પેઢી માટે સંસ્કૃતિ અને વારસાની અમૂલ્ય ઓળખ બની રહી છે.








