MORBI:મોરબીની ધી વી સી ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી ‘સંસ્કૃત કક્ષ’ નું ભવ્ય લોકાર્પણ

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગરના આર્થિક અનુદાન થકી ‘સંસ્કૃત કક્ષ યોજના’ અંતર્ગત મોરબીની અગ્રણી ધી વી સી ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગઈકાલે તારીખ ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ નવા ‘સંસ્કૃત કક્ષ’નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

ભારતીય સંસ્કૃતિ અને દેવભાષા સંસ્કૃતના પ્રસાર માટે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી કમલેશભાઈ મોતા, શાળાના આચાર્યશ્રી ભદ્રસિંહ વાઘેલા, એસ.એમ.ડી.સી. (SMDC) ના સભ્યો, તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક મિત્રો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેલા જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી કમલેશભાઈ મોતાએ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની આ સરાહનીય પહેલ તેમજ સંસ્કૃત કક્ષના સુંદર આયોજનની મુક્તકંઠે પ્રશંસા કરી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે મોરબીની આ શાળાના વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ કક્ષનો લાભ મેળવીને સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિ સાથે જોડાશે.
ઉદ્ઘાટન વિધિ સંપન્ન થયા બાદ માનનીય મોતા સાહેબ, આમંત્રિત અતિથિઓ, સમગ્ર સ્ટાફગણ તેમજ વિદ્યાર્થીઓએ નવા કક્ષની મુલાકાત લીધી હતી અને સંસ્કૃત ભાષાના સમૃદ્ધ સાહિત્ય તથા વારસાને નજીકથી અનુભવવાની સુંદર તક ઝડપી હતી.
શાળાના સંસ્કૃત શિક્ષકશ્રી ધવલભાઈ ખાંડેકાએ અખબારી યાદીમાં વિગતો આપતા જણાવ્યું હતું કે, આગામી સમયમાં આ સંસ્કૃત કક્ષનો વિદ્યાર્થીઓના અભ્યાસ માટે મહત્તમ ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત, સંસ્કૃત ભાષાના વિકાસ અને ઉત્થાન માટે શાળા દ્વારા વિવિધ શૈક્ષણિક પ્રકલ્પો અને પ્રવૃત્તિઓનું આયોજન પણ હાથ ધરવામાં આવશે.

આ સમગ્ર સંસ્કૃત કક્ષને આકર્ષક અને સુસજ્જ રીતે તૈયાર કરવામાં સંસ્કૃત શિક્ષકશ્રી ધવલભાઈ ખાંડેકા તેમજ જયશ્રીબેન ચિકાણીએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર દ્વારા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.









