તા.19/09/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


૧૭ ઓક્ટોબર સુધી યોજાનારા ‘સેવા સંકલ્પ અભિયાન’ અને ‘સ્વચ્છતા અભિયાન’નું સુચારૂ આયોજન કરવા કલેક્ટરની સૂચના, સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના નાગરિકોને સ્પર્શતા વિવિધ પ્રશ્નો અને પ્રગતિ હેઠળના વિકાસકાર્યો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ઉપસ્થિત લોક પ્રતિનિધિઓ અને મહાનુભાવો દ્વારા લોકહિતને લગતા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા પદાધિકારીઓ સાથેની બેઠકમાં લોકાભિમુખ મુદ્દાઓ અને ફરિયાદ સમિતિને મળેલી અરજીઓ અંગે વિગતવાર ચર્ચા- વિચારણા હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રજાને સ્પર્શતા તાકીદના પ્રશ્નો, લોકફરિયાદોનો સમયસર નિકાલ અને ગત બેઠકની સૂચનાઓ અન્વયે થયેલી કાર્યવાહીના અહેવાલની સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરએ તમામ સંબંધિત અધિકારીઓને લોકપ્રશ્નો પ્રત્યે સંવેદનશીલ રહીને બાકી રહેલી ફરિયાદોનો સત્વરે ઉકેલ લાવવા અને સરકારી હુકમોનું ચુસ્તપણે પાલન કરવા માટે જરૂરી દિશા-નિર્દેશો આપ્યા હતા. આ ઉપરાંત, આગામી ૧૭ ઓક્ટોબર સુધી યોજાનારા ‘સેવા સંકલ્પ અભિયાન’ અને ‘સ્વચ્છતા અભિયાન’ના સુચારૂ અને અસરકારક આયોજન અન્વયે કલેક્ટરએ જરૂરી સૂચનાઓ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ અભિયાન અંતર્ગત સમગ્ર જિલ્લામાં સઘન સ્વચ્છતા ઝુંબેશ ચલાવવામાં આવે તેમજ જનભાગીદારી વધારીને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અને લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવામાં આવે. તમામ વિભાગો પરસ્પર સંકલન સાધીને નિયત સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરે, સેવા સેતુ કેમ્પોનું સુચારૂ સંચાલન થાય અને કામગીરીનું દૈનિક મોનિટરિંગ કરવામાં આવે તે અંગે કલેક્ટરએ ભાર મૂક્યો હતો વિભાગીય અધિકારીઓ સાથેની બેઠકમાં સરકારી કર્મચારીઓના પેન્શન કેસો, ખાનગી અહેવાલો લેખન, તાબાની કચેરીઓનું નિરીક્ષણ, સરકારી લેણાંની બાકી વસૂલાત તેમજ અરજીઓના નિકાલ જેવા મહત્ત્વના મુદ્દાઓ પર પણ ભાર મુકાયો હતો. આ ઉપરાંત તકેદારી આયોગની અરજીઓ, આર.ટી.આઈ. અરજીઓ, એ.જી. ઓડિટ પેરા તેમજ કલેક્ટર કચેરી તરફથી મોકલવામાં આવેલા પત્રોની સ્થિતિ અંગે સમીક્ષા કરીને ઓનલાઈન ડેટા એન્ટ્રી સમયસર પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ ચંદુભાઈ શિહોરા, સર્વે ધારાસભ્યઓ શામજીભાઈ ચૌહાણ, પ્રકાશભાઈ વરમોરા, કિરીટસિંહ રાણા, પી.કે. પરમાર, જિલ્લા વિકાસ અધિકારી કે. એસ. યાજ્ઞિક, મ્યુનિસિપલ કમિશનર જે. કે. જાદવ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નિવાસી અધિક કલેક્ટર વી. ડી. સાકરિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભાવેશ દવે સહિત સર્વે પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ જિલ્લાના સંબંધિત વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.










