MORBI:મોરબી મનપા દ્વારા રવાપર, મહેન્દ્રનગર અને ત્રાજપર સહિતના વિસ્તારોમાં જૂના ટેક્સની આકરી ઉઘરાણી સામે ગ્રાહક સુરક્ષા મંડળ મેદાનમાં: મેયરને રજૂઆત

પાણી-ગટર કનેક્શન કાપી નાખવાની ધમકી આપી રૂ. ૪૫,૦૦૦ સુધીનો ટેક્સ વસૂલાતો હોવાનો આક્ષેપ; ૨૦૧૩થી વસૂલાયેલો ટેક્સ પરત આપવા માગ

મોરબી મહાનગરપાલિકામાં ભળેલા ગ્રામ્ય વિસ્તારોના રહીશો પાસેથી વર્ષ ૨૦૧૩થી પશ્ચાતવર્તી (પાછલી તારીખથી) હાઉસ ટેક્સની આકરી ઉઘરાણી કરવામાં આવી રહી હોવાના મામલે ભારે રોષ ફેલાયો છે. આ મામલે મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મહાનગરપાલિકાના મેયરને લેખિત રજૂઆત કરી મકાનમાલિકોને ન્યાય આપવા માગણી કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ, મોરબી આસપાસના ગ્રામ્ય વિસ્તારો જેવા કે રવાપર, મહેન્દ્રનગર, ત્રાજપર, શક્ત શનાળા તેમજ અન્ય સોસાયટીઓનો વર્ષ ૨૦૨૫માં મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવતા તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્રાજપર સર્વે હેઠળ આવતી ફ્લોરા હોમ્સ, નટવર પાર્ક, વૃંદાવન પાર્ક તેમજ મહેન્દ્રનગર વિસ્તારની વિવિધ સોસાયટીઓના મકાનધારકોએ વર્ષ ૨૦૨૫ સુધીનો તમામ હાઉસ ટેક્સ સંબંધિત ગ્રામ પંચાયતોમાં નિયમિત ભરપાઈ કરી દીધો છે. આ રહીશોને ક્યારેય એવી સત્તાવાર જાણ કરવામાં આવી નહોતી કે તેઓ વર્ષ ૨૦૧૩થી મોરબી નગરપાલિકાની હદમાં ગણાય છે.
હવે જ્યારે આ વિસ્તારો મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થયા છે, ત્યારે તંત્ર દ્વારા મકાનધારકો પાસેથી વર્ષ ૨૦૧૩થી ભારે રકમની ટેક્સ ઉઘરાણી શરૂ કરવામાં આવી છે. આસામીઓ પર જો વેરો નહીં ભરે તો પીવાના પાણી અને ગટરના જોડાણો કાપી નાખવાની ધમકીઓ આપી દબાણ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે ગભરાઈને અનેક મિલ્કતધારકોએ આશરે રૂ. ૪૫,૦૦૦ જેટલો મોટો ટેક્સ ભરી પણ દીધો છે.
સ્થાનિક રહીશો અને મિલકતધારકોનો સ્પષ્ટ તર્ક છે કે જો મહાનગરપાલિકા વર્ષ ૨૦૨૫માં અમલમાં આવી હોય અને ૨૦૨૫ સુધીનો વેરો પંચાયતોમાં ભરાઈ ચૂક્યો હોય, તો મનપા ૨૦૧૩થી ટેક્સ કઈ રીતે વસૂલી શકે? આ અન્યાયી વસૂલાત સામે રહીશોએ મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાને રજૂઆત કરી હતી. જેના પગલે ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મેયર સમક્ષ માગ કરવામાં આવી છે કે વર્ષ ૨૦૧૩થી વસૂલવામાં આવેલો તમામ ટેક્સ ગ્રાહકોને પરત મળવો જોઈએ અને આ બાબતે તાકીદે યોગ્ય નિર્ણય લઈ મકાનમાલિકોને રાહત આપવામાં આવે.











