WAKANER:વાંકાનેરના શિવાલય શેલ્ટર હોમ ખાતે સિટી પીઆઈ જે. એસ. ગામીતના હસ્તે ગણપતિ બાપ્પાની આરતી યોજાઈ: નિરાધારો સાથે આત્મીય સંવાદ સાધ્યો


વાંકાનેર:માંગલ્ય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વાંકાનેર સ્થિત શિવાલય શેલ્ટર હોમ ખાતે ગણેશોત્સવ અંતર્ગત વિશેષ ગણપતિ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે. એસ. ગામીત તથા પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈએ ઉપસ્થિત રહી ભક્તિભાવપૂર્વક દુંદાળા દેવ શ્રી ગણેશજીની આરતી સંપન્ન કરી હતી.

આરતી પૂર્ણ થયા બાદ પીઆઈ શ્રી જે. એસ. ગામીતે શેલ્ટર હોમમાં આશરો લઈ રહેલા અનાથ, નિરાધાર તથા શારીરિક રીતે ક્ષતિગ્રસ્ત વ્યક્તિઓ સાથે લાગણીસભર સમય વિતાવ્યો હતો. તેમણે તમામ અંતેવાસીઓ સાથે આત્મીય સંવાદ સાધી તેમના ખબર-અંતર પૂછ્યા હતા અને સુખાકારીની માહિતી મેળવી હતી. ખાખી વર્દી પાછળ રહેલા સંવેદનશીલ માનવીય અભિગમને કારણે આશ્રમના તમામ સભ્યોમાં ખુશી અને હુંફની લાગણી પ્રસરી ગઈ હતી. આ સાથે તેમણે આશ્રમ દ્વારા ચાલતી માનવ સેવાકીય પ્રવૃત્તિઓની વિગતો મેળવીને સંસ્થાના કાર્યને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

સેવા અને સુરક્ષાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર વાંકાનેર સિટી પોલીસ પ્રત્યે આદર વ્યક્ત કરતાં સંસ્થાના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી રાજદીપ પરમાર દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે. એસ. ગામીતનું ઉષ્માભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે માંગલ્ય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને સમગ્ર શિવાલય પરિવાર તરફથી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.











