તારીખ ૨૬/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
કાલોલના વાલ્મીકિવાસ ખાતે આવેલું શ્રી જલારામ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું અનોખું કેન્દ્ર બન્યું છે. આ પવિત્ર ધામ ખાતે દર ગુરુવારે જલારામ બાપાની નિઃસ્વાર્થ ભાવે આરતી પૂજન કરી ‘ભૂખ્યાને ભોજન’ આપવાની સુંદર પરંપરા ચાલુ રાખવામાં આવે છે.હાલ ચાલી રહેલા ગણેશ મહોત્સવના પાવન પર્વ નિમિત્તે મંદિર પરિસરમાં દુંદાળા દેવ ગણપતિદાદાની શાસ્ત્રોક્ત વિધિથી સ્થાપના કરવામાં આવી છે. આ ઉજવણીના ભાગરૂપે આજ રોજ દાદાના દરબારમાં ૧૦૮ દીવડાની ભવ્ય અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા વિસ્તારના રહીશો પોતાના હાથમાં દીપક ધારણ કરી ભક્તિભાવપૂર્વક જોડાયા હતા. “ગણપતિ બાપ્પા મોરિયા”ના નાદ અને ૧૦૮ દીવડાના દિવ્ય પ્રકાશથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ઉપસ્થિત તમામ ભક્તોએ ગણપતિદાદાની ભાવપૂર્વક પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.










