વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
ઊર્જા સંરક્ષણ અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ કેળવાઈ; મોડેલ નિદર્શન, પ્રદર્શન અને ઊર્જા ક્વિઝનું આયોજન.
નખત્રાણા,તા. ૨૬ સપ્ટેમ્બર : ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA)ના માર્ગદર્શન હેઠળ, ગુજકોસ્ટ માન્ય ધી ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી સંચાલિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, ભુજ દ્વારા કચ્છ જિલ્લાની પસંદગીની શાળાઓમાં ‘બાળ ઊર્જા રક્ષક દળ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના અંતર્ગત શ્રી સારસ્વતમ્ સંચાલિત શ્રી પુંજા આણંદજી હાઈસ્કૂલ, નિરોણા ખાતે કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ધોરણ ૯ અને ૧૦ના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય ડૉ. વિ.એમ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત શાળાના વરિષ્ઠ શિક્ષક અલ્પેશભાઈ જાની દ્વારા કરવામાં આવ્યું હતું અને પુસ્તક અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં ઊર્જા સંરક્ષણ અને ઊર્જા બચત અંગે જાગૃતિ કેળવવાના હેતુથી ઊર્જા વિશે પાયાની સમજ આપવામાં આવી હતી. ઉપરાંત ઊર્જા આધારિત વિવિધ મોડેલ્સનું નિદર્શન તથા ઊર્જા અંગેના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થાય તે હેતુથી ‘ઊર્જા ક્વિઝ’ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ક્વિઝમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમજ ઊર્જા બચત અને સંરક્ષણ અંગે વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. ક્વિઝ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.ઊર્જા ક્વિઝમાં ધોરણ- ૯ના વિદ્યાર્થીઓ વિરેન્દ્રસિંહ સોઢા અને સહદેવસિંહ સોઢા વિજેતા બન્યા હતા અને તેમની ‘ઊર્જા આગેવાન’ તરીકે પસંદગી કરવામાં આવી હતી.જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડિનેટર પ્રવીણભાઇ મહેશ્વરી, સાયન્સ કોમ્યુનિકેટર ગૌતમભાઇ બુચિયા, શાળાના ઊર્જા આગેવાન શિક્ષક કિશનભાઈ બી. પટેલ સહિત શાળાના અન્ય સ્ટાફગણ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભૂમિબેન વોરાએ કર્યું હતું.











