નર્મદા ડેમ છલકાયો, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વૈદિક મંત્રોચ્ચાર સાથે નર્મદા નીરના વધામણા કર્યા

૧૦,૪૫૩ ગામો, ૧૯૧ શહેરો તથા ૦૭ મહાનગર પાલિકાઓને એમ કુલ મળીને ગુજરાતની આશરે ૪ કરોડથી વધુ પ્રજાને પીવાનું પાણી પુરું પાડી રહ્યો છે નર્મદા ડેમ
રાજપીપળા : જુનેદ ખત્રી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૧૭માં ૧૭મી સપ્ટેમ્બરે સરદાર સરોવર ડેમનું રાષ્ટ્રાર્પણ કર્યુ ત્યારપછી આ ડેમ અત્યાર સુધીમાં કુલ ૦૭ વખત – વર્ષ ૨૦૧૯, ૨૦૨૦, ૨૦૨૨, ૨૦૨૩, ૨૦૨૪ અને ૨૦૨૫ તથા ૨૦૨૬માં તેની મહત્તમ સપાટીએ ભરાયો છે. નર્મદા ડેમની ૧૩૮.૬૮ મીટર (૪૫૫ ફુટ) સપાટીએ કુલ જળ સંગ્રહ ક્ષમતા ૯૪૬૦ મીલીયન ઘન મીટર છે.આ સાથે પ્રધાનમંત્રી તરીકેનું સેવા દાયિત્વ સંભાળ્યાના માત્ર ૧૭ દિવસમાં જ નર્મદા ડેમનું બાકીનું કામ પૂર્ણ કરવા તથા ગેટ બેસાડવાની મંજુરી આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ નર્મદાના નીરના વધામણાં કરતાં કહ્યુ કે, ચાલુ વર્ષમાં સમગ્ર નર્મદા બેસીનમાં આવેલ કુલ પાણીના જથ્થાને ધ્યાને લઈને સામાન્ય વર્ષોમાં ગુજરાતને ફાળવવામાં આવતા ૯ મિલિયન એકર-ફૂટ (MAF) પાણીની સામે હાલમાં આશરે ૭.૯ મિલિયન એકર-ફૂટ (MAF) પાણી ઉપલબ્ધ છે.

આ ઉપલબ્ધ અમૂલ્ય જળનો કરકસરપૂર્વક, સમજદારીપૂર્વક અને આયોજનબદ્ધ રીતે ઉપયોગ કરી પાણીના દરેક ટીપાનો મહત્તમ સદુપયોગ કરવો એ આપણી સૌની સામૂહિક જવાબદારી છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
નોંધનીય છે કે, ચાલુ ચોમાસામાં સુજલામ-સુફલામ અને સૌની યોજના દ્વારા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છને પાણીનું વિતરણ કર્યું છે. સુજલામ સુફલામ યોજનામાં ચાલુ જળ વર્ષ દરમિયાન ૨૦૧ MCM ( ૭૧૧૮ MCFT) પાણી પૂરું પાડવામાં આવ્યું છે અને ૧૦૨૮ તળાવો ભરવામાં આવ્યા છે.
સૌની યોજનામાં ૨૮૮ MCM (૧૦૧૮૯ MCFT) પાણી પૂરું પાડવામાં આવ્યું છે અને ૧૬૭ તળાવો, ૧૦૧૪ ચેકડેમ અને ૪૫ ડેમ ભરવામાં આવ્યા છે. આમ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ની જરૂરિયાતો અનુસાર તળાવો, ચેકડેમ, બંધો વગેરે ભરવા માટે પાણી વિતરણ કરવામાં આવેલ છે.
રાજ્યની અવિરત પ્રગતિના છડીદાર અને ગુજરાતના પાણીઆરા સમાન આ સરદાર સરોવર નર્મદા ડેમના પૂર્ણ સપાટીએ પહોંચેલા જળરાશિના પૂજન-અર્ચનથી જળ શક્તિની વદંના કરવાની પરંપરા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત ત્રીજા વર્ષે પણ જળ પૂજન કરીને આગળ ધપાવી છે.









