ફૈઝ ખત્રી..શિનોર

શિનોર તાલુકાના સાધલી ગામે રખડતા કૂતરાઓનો આતંક જોવા મળ્યો છે. એક જ દિવસમાં અલગ-અલગ વિસ્તારોમાં પાંચ બાળકોને કૂતરાએ કરડતાં ગ્રામજનોમાં ચકચાર મચી ગઈ હતી.
સાધલીના તળપદા ફળિયામાં રહેતો આશરે સવા બે વર્ષનો બાળક પંચવટી ગાર્ડન પાસે રમતો હતો. તે દરમિયાન અચાનક એક કૂતરાએ આવી બાળકને બચકું ભરી લીધું હતું.
બીજા બનાવમાં સાધલીના મુખ્ય બજારમાં અંબાજી મંદિર વિસ્તારમાં ઘરની બહાર રમતી આશરે ત્રણ વર્ષની બાળકી પર અચાનક કૂતરાએ હુમલો કરી તેને કરડી લીધું હતું.
ત્રીજા બનાવમાં નકુમવાળા વિસ્તારમાં રહેતા મોહસીન નકુમનો આશરે પાંચ વર્ષનો બાળક બજારમાં આવેલી કરિયાણાની દુકાન બહાર ઉભો હતો. તે દરમિયાન અચાનક કૂતરાએ આવી બાળકને કરડી લીધું હતું.
ચોથા બનાવમાં સરદારનગર વિસ્તારમાં રહેતા રમીઝ નકુમની પાંચ વર્ષની બાળકી ઘરની બહાર રમતી હતી ત્યારે અચાનક કૂતરાએ આવી તેને પણ કરડી લીધું હતું.
પાંચમો બનાવ સરદાર નગર વિસ્તારમાં એક પાંચ વર્ષના બાળક ને કૂતરું કરડ્યું હોવાનો બનાવ બનવા પામ્યો છે.
એક જ દિવસમાં પાંચ બાળકોને કૂતરાએ કરડવાના બનાવો બનતાં સાધલી ગામમાં રખડતા કૂતરાઓના આતંકને લઈને ગ્રામજનોમાં ચિંતા જોવા મળી રહી છે. રખડતા કૂતરાઓ સામે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.










