વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

નવસારી જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગણદેવી ગામની સીમમાં ખારેલ ઓવરબ્રિજના દક્ષિણ છેડે નેશનલ હાઇવે નંબર 48 પર અમદાવાદ તરફ જતી ટ્રેક ઉપર પોલીસે વોચ ગોઠવી મહિન્દ્રા બોલેરો મેક્સ પિકઅપમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસની પ્રેસનોટ અનુસાર, પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ અને નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ LCB પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. જાડેજાની ટીમ જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા તત્ત્વો ઉપર નજર રાખી રહી હતી. આ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે તા. 9 ઓક્ટોબરના રોજ ગણદેવી નજીક નાકાબંધી કરી વાહનની તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન બોલેરો મેક્સ પિકઅપ નંબર MH-48-DC-1598માંથી વિદેશી દારૂની વ્હિસ્કી, વોડકા અને ટીન બિયરની કુલ 1,152 નંગ બોટલો મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો, પિકઅપ વાહન અને એક મોબાઇલ ફોન સહિત કુલ ₹10,85,640નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
એક આરોપી ઝડપાયો, અન્યની શોધખોળ
આ કેસમાં પોલીસે ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાના વતની અને હાલ મુંબઈમાં રહેતા 31 વર્ષીય રમેશકુમાર પ્રજાપતિની ધરપકડ કરી છે. તે કબજે કરાયેલા પિકઅપ વાહનનો ચાલક હોવાનું પ્રેસનોટમાં જણાવાયું છે.
આ ઉપરાંત ગણપત પ્રસાદ ગોસ્વામી, રાજુ નામના શખ્સ તથા અન્ય અજાણ્યા વ્યક્તિઓ સહિત કુલ ચાર વ્યક્તિઓ અને વાહનના હાલના માલિક સહિત અન્ય સંડોવાયેલા લોકો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, દારૂનો જથ્થો સેલવાસ ખાતેથી ભરવામાં આવ્યો હોવાની વિગતો પણ તપાસમાં સામે આવી છે.
ગણદેવી પોલીસ મથકે ગુનો નોંધાયો
દારૂનો જથ્થો પાસ-પરમિટ વિના લઈ જવાતો હોવાનું જણાતાં પોલીસે પ્રોહિબિશન સંબંધિત ગુનો ગણદેવી પોલીસ મથકે નોંધાવ્યો છે. આ ગેરકાયદેસર હેરાફેરીમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે અને દારૂ ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે
આ કામગીરીમાં LCBના પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. જાડેજા, PSI વાય.જી. ગઢવી, PSI એમ.બી. ગામીત તથા પોલીસ કોન્સ્ટેબલ જયેશ બાબુજી અને અર્જુનકુમાર હર્ષદભાઈ સહિતની ટીમ જોડાઈ હતી.









